સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક 23 વર્ષના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ તેના મિત્રને પણ ચપ્પુના ઘા મારતાં તેની પણ હાલત ગંભીર છે. મૃતક યુવક મિત્રો સાથે રાત્રે ચા પીવા ગયો હતો. દરમિયાન ઝઘડો જોઈને પરત ફરતા સમયે હુમલો થયો હતો. જેમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતક ચાની દુકાન ચલાવતો હતો
મળતી માહિતી પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ સ્વાઈ પરિવાર સાથે રહેતો હતો અને ચાની દુકાન ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાજ સહિત ચાર ભાઈઓ છે. જેઓ છેલ્લા 17 વર્ષથી સુરતમાં રહે છે અને મૂળ ઓડિશાના રહેવાસી છે.
આગળ પાછળ બાઇક લાવી ટક્કર મારી હુમલો કર્યો
ગત રોજ રાત્રે 11 વાગ્યે રાજ તેના બે મિત્રો સાથે બાઇક પર ચા પીવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેના ભાઈના જણાવ્યા પ્રમાણે ચા પીવા ગયા ત્યાં નજીકમાં ઝઘડો જોઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન બે બાઇક પર યુવકે આવ્યા હતા અને આગળ પાછળ બાઇક લાવી ટક્કર મારી હતી. જેથી રાજ અને તેના ને મિત્રો બાઇક પરથી નીચે પટકાયા હતા.
યુવકે ચપ્પુના ચાર ઘા મારી પતાવી દીધો
હુમલાખોરોને જોઈ એક મિત્ર ભાગી ગયો હતો. જ્યારે રાજ અને તેના એક મિત્ર પર હુમલાખોરોને ચપ્પુથી હુમલો કરી લીધો હતો. જેમાં રાજને ચાર જેટલા ઘા મારવામાં આવ્યા હતા. જ્યારે તેના મિત્રને પણ ચપ્પુના ઘા માર્યા હતા. જેથી બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ
પરિવારને અંદાજે 1થી દોઢ વાગ્યે જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જોકે રાજની તબિયત લથડતી જતી હતી. દરમિયાન 9 વાગ્યે રાજને મૃત જાહેર કરાયો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પણ પરિવારના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પીઆઈ એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે, હાલ તો ફરિયાદ લેવાની તજવીજ ચાલી રહી છે. આ ઘટનામાં પ્રાથમિક તારણ પ્રમાણે છોકરીની બાબતે કોઈ ઝઘડો હતો. જેને લઇને અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોય શકે છે.