સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેથી વેરાવળથી અન્ય વાહનના સહારે યાત્રિકો સોમનાથ પહોંચે છે
શિવભક્તો માટે શ્રાવણમાસ અતિ મહત્વનો હોય છે.ત્યારે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માંથી પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ.શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો પ્રત્યક્ષ અને કરોડો ભક્તો પરોક્ષ રીતે દાદાના દર્શન કરતાં હોઈ છે.પરંતુ આ વર્ષે અધિકમાસ અને શ્રાવણ માસના સંયોગના કારણે 60 દિવસનો શિવોત્સવ જામ્યો છે.ત્યારે સોમનાથ સાનિધ્યે શ્રાવણ માસ અગાઉ જ શ્રાવણ માસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.પરસોતમ માસ અને શ્રાવણ માસના અનોખા સંયોગને લીધે આ વર્ષે 60 દિવસનો શીવોત્સવ જોવા મળ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો શ્રાવણ માસને હજુ 4 દિવસ બાકી છે પરંતુ હાલ શ્રાવણ માસ જેટલો જ ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે પાર્કિંગ માં પણ ચારેય તરફ ગાડીઓના થપ્પા જોવા મળે છે.આ સિવાય ટ્રસ્ટ સંચાલિત લીલાવતી ભવન, સાગર દર્શન તેમજ અન્ય તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ પણ માટે ભાગે ફૂલ જ જોવા મળે છે.સોમનાથ મંદિરના માર્ગો પણ વહેલી સવારથી ભક્તોથી ભરેલા જ જોવા મળે છે જેના કારણે સ્થાનિક ધંધાર્થીઓને વેપાર ધંધામાં પણ તેજીનો માહોલ આવ્યો છે.દર્શનાર્થે આવતા યાત્રિકો આસપાસના સ્થળોએ ફરવા જવા માટે ટેક્સી મદદથી જતા હોઈ છે પરંતુ ટ્રાફિક વધુ પ્રમાણમાં હોવાના કારણે ટેક્સી પણ સરળતાથી મળતી નથી.હાલ સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેના કારણે રેલવે દ્વારા આવતા યાત્રિકોએ વેરાવળ જ ઉતરવું પડે છે અને ત્યાંથી રિક્ષા કે ખાનગી વાહનના સહારે સોમનાથ પહોંચવુ પડે છે.ચારેય તરફ પૂરતા પોલીસ બંદોબસ્ત ને કારણે કોઈ અનિચ્છનિય બનાવ પણ બનતો નથી.
સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે યાત્રિકોએ ફરજિયાત વેરાવળ રેલ્વે સ્ટેશને ઉતરવું પડે છે અને ત્યાંથી મોટે ભાગે રિક્ષા દ્વારા યાત્રિકો સોમનાથ પહોંચે છે.ત્યારે ઘણી વખત રિક્ષા કે ખાનગી વાહન ચાલકો મસમોટા ભાડા વસૂલે છે જેનો ઉકેલ લાવવા માટે તંત્રની મદદથી ચોક્કસ ભાડા નિશ્ચિત કરવા જોઈએ.એસટી અને સિટી બસની વ્યવસ્થા છે પરંતુ રેલ્વે સ્ટેશન ની નજીક કે બહાર કોઈ ટાઇમ ટેબલ ના બોર્ડ ન હોવાને કારણે યાત્રિકોને જાણકારી મળી શકતી નથી.જેથી તંત્રે શ્રાવણ માસ અગાઉ કોઈ ઉકેલ લાવવો જોઈએ.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)