રક્ષાબંધન એ ભાઈ-બહેનનો તહેવાર છે. બહેન ભાઈનાં ઘરે જઈને ભાઈને રક્ષાસૂત્ર બાંધતી હોય છે. આ દિવસે બહેન પોતાના ભાઈના ઘરે હર્ષોલ્લાસ સાથે જતી હોય છે ત્યારે આ પર્વ પર ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકા દ્વારા એક દિવસ માટે મહિલાઓ અને બાળકો માટે અમુક વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવે છે.
સામાન્ય સભામાં ટ્રાન્સપોર્ટ વિભાગની માહિતી આપવામાં આવી
સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હોવાની વાત કરવામાં આવી છે. સીટી બસ અને BRTS બસમાં રોજના 2.5 લાખ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન અને મહિલાઓ માત્ર 1 હજાર રૂપિયા ભરીને આખું વર્ષ અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. આવનાર દેશોમાં લોકોને વધુ સુવિધા મળી રહે તે માટે બસોની સંખ્યામાં વધારો કરાશે અને અલગ-અલગ રૂટ ઉપર દોડતી મુકાશે. ખાસ કરીને ઈલેક્ટ્રીક બસો દોડાવવાનો આયોજન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે.
રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને વિશેષ જાહેરાત
કોર્પોરેશનનાં ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન રમીલા પટેલે જણાવ્યું કે, આગામી રક્ષાબંધનનાં દિવસે દર વર્ષની જેમ જ સુરત મહાનગરપાલિકાની BRTS અને સીટી બસમાં મહિલાઓ અને બાળકો વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. આ ઉપરાંત ONGCથી સરથાણા વચ્ચે પ્રાયોગિક ધોરણે માત્ર મહિલાઓ માટેની બસ શરૂ કરવામાં આવશે. કેટલાક રૂટ ઉપર BRTS અને સિટી બસમાં મહિલાઓ માટે અલગથી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત ધીરે-ધીરે કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ મહિલાઓ માટે અલાયદી બસ દોડાવવામાં આવે, તે માટે જરૂરિયાત મુજબ નિર્ણય લેવાશે.