News Updates
GUJARAT

જૂનાગઢ સિવિલમાં અંધેર વહિવટ, દર્દીઓ પરેશાન:બે બે દિવસ સુધી ડોક્ટરો દર્દીને તપાસવા ફરકતા નથી, દર્દીઓ પૂછે તો ઉડાવ જવાબ આપીને કહે છે કે ઉતાવળ હોય તો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય

Spread the love

જૂનાગઢ જિલ્લા સહિત આજુબાજુના 5થી 6 જિલ્લાના લોકોને સારી સારવાર મળે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલમાં સમયસર ડોક્ટરો ન આવતા હોવાની સતત ફરિયાદો ઉઠી રહી છે, 11 માંથી કેટલીય લીફ્ટ પણ બંધ છે અન્ય સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી દર્દીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. સતત ડોક્ટરોની ગેરહાજરી રહેતા દર્દીઓ ના છૂટકે રૂપિયા ખર્ચીને ખાનગી હોસ્પિટલમાં જઈ રહ્યા છે. ત્યારે આ જૂનાગઢ સિવિલની સ્થિતિને લઈ રવિ અને સોમ સતત ત્રણ દિવસ સુધી મુલાકાત લીધી હતી, જેમાં ડોક્ટરો ગેરહાજર રહેતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. જોકે, આજે સોમવારે ડોક્ટરો જોવા મળ્યા હતા. 

‘બીજા પાસેથી પૈસા ઉછીના લઈને હુ મારી પત્નીની સારવાર માટે આવ્યો છું’
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પત્નીને સારવાર માટે લાવનાર ભરત દેવમોરારીએ રડતી આંખે કે, મારી પત્નીને છાતીમાં હૃદયનો દુખાવો છે. ડોક્ટરોએ ત્રણ થી ચાર વાર રજા આપી દીધી હતી, જોકે, તબીયત સારી ન રહેતા ફરી ચોથી વખત 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા છીએ. ત્યારે ડોક્ટરને મારી પત્નીની સારવાર માટે કહ્યું હતું, જોકે, ડોક્ટરે અમને કહ્યું કે જો એવી બધી ઉતાવળ હોય તો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય. પણ સાહેબ અમારી પાસે જો પૈસા હોય તો અમે અહીં સિવિલમાં શા માટે લાવીએ? બીજા પાસેથી પૈસા ઉછીના લઈને હુ મારી પત્નીની સારવાર માટે આવ્યો છું, વધુ તો અમે કઈ બોલી ના શકીએ નહિતર અમને રજા આપી દીએ.

‘કોઈ પણ ડોક્ટર તપાસવા આવ્યાં નથી’
પોતાની દીકરીને લઈ સારવાર માટે આવેલા સાજીદભાઈ બેલીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી મારી દીકરી આ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ શુક્રવારના બપોરથી લઇ શનિવારના બપોરના એક વાગ્યા સુધી કોઈ પણ ડોક્ટર તપાસવા માટે આવ્યા નથી.

પગમાં ઈજા થયેલા દર્દી સોનલબેન 13 દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે ત્યારે વોર્ડ નંબર 509માં બે દિવસથી કોઈ પણ ડોક્ટર રિપોર્ટ જોવા કે દર્દીઓને તપાસવા માટે આવ્યા નથી.

‘અહિં સિવિલની ઘોર બેદરકારી ચાલી રહી છે’
ભાયાવદરથી આવેલા દર્દીના સગા દિનેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ઉપલેટા ખાનગી હોસ્પિટલમાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ એક જ વખત ડોક્ટર દર્દીને તપાસવા આવ્યા હતા અને ત્યારબાદ એક પણ ડોક્ટર અહીં 509 નંબરના વોર્ડમાં આવ્યા નથી. અહિં સિવિલની ઘોર બેદરકારી ચાલી રહી છે.

તબીબ અધિક્ષક મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યાં
આ બાબતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતની મને કોઈ જાણ નથી પરંતુ મેડિકલ ડિપાર્ટમેન્ટને આ બાબતે પૂછી લઈશ. જ્યારે તેમને રૂબરૂ મળવાનું કહેતા તેમને કહ્યું હતું કે, હું રૂબરૂ મળી નહીં શકું પરંતુ અધિક્ષકની ઓફિસે પહોંચી ત્યારે તેઓ પોતાની ઓફિસમાં હાજર હોવા છતાં પણ તબીબ અધિક્ષક નયના લકુમ મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા અને મળવાની મનાઈ કરી હતી.

ઓપીડીનો પરિપત્ર પણ માત્ર કાગળના હોવાનું જોવા મળ્યું
બીજી તરફ તબીબી અધિક્ષક નયના લકુમ દ્વારા તારીખ 26/6/2023 ના રોજ પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારે સવારની ઓપીડીનો સમય સોમથી રવિવાર સુધી 9 થી 1 કલાક, સાંજની ઓપીડીનો સમય સોમથી શનિવાર 4 થી 8 કલાક અને જાહેર રજાઓ દરમિયાન હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર ચાલુ રાખવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ આ પરિપત્ર માત્ર કાગળ પર જ હોવાનું જોવા મળી રહ્યુ છે.

ધારાસભ્ય પણ બે વખત ઓચિંતી મુલાકાત લઈ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા સિવિલની બે વખત ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જોકે, ત્યારે પણ ડોક્ટરો ગેરહાજર જોવા મળ્યા હતા. જેને પગલે સંજય કોરડીયાએ તબીબ અધિક્ષકને ડોક્ટરો નિયમ અનુસાર અને સમયસર આવે તેવી સૂચના આપી હતી, પરંતુ તબીબી અધિક્ષક નયના લકુમે ધારાસભ્ય સંજય કોરડીયાને આપેલી બાહેંધરી પણ વિસરાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

સરકારમાં આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશેઃ ધારાસભ્ય
દર્દીઓને પડતી હાલાકી બાબતે અને ડોક્ટર સમયસર સિવિલ હોસ્પિટલ ના આવતા હોવાની બાબતે ધારાસભ્ય સંજય કોરડીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સરકારમાં આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને દર્દીઓને પડતી હાલાકીના પ્રશ્નો કોઈ પણ સમાધાન કરવામાં આવશે નહીં.


Spread the love

Related posts

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates

બે સંતાન સાથે પિતાની આત્મહત્યાનો મામલો:પત્ની ઘરમાં કચરા-પોતાં અને રસોઈ જેવાં કામ કરાવી કેસ કરવાની ધમકી આપતી હતી, મૃતકના પિતાએ પુત્રવધૂ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates

અંકલેશ્વર GIDCમાં ભીષણ આગ ફાટી નીકળી:નિરંજન લેબોરેટરીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઊઠી; કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Team News Updates