અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં 15 કલાકથી ગુમ બે સગા ભાઇઓના આજે વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પોલીસે બંને ભાઇઓના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે ભાવનગર મોકલીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, બાળકોના ડૂબી જતાં મોત થયા છે કે અન્ય કારણ છે એ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
રમવા ગયેલા બાળકો પરત ન ફર્યા
ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈના મકવાણાનો 6 વર્ષીય કૃણાલ અને 10 વર્ષીય મિત નામના બે બાળકો રમવા જવાનું કહીને ઘરેથી બહાર ગયા હતા. જોકે, મોડે સુધી પરત ન ફરતાં પરિવારજોએ શોધખોળ કરી હતી અને પોલીસમાં જાણ કરી હતી. બંને બાળકોની ઉમર નાની હોવાથી પોલીસ પણ શોધખોળ આદરી હતી. જોકે, બંનેનો કોઇ પત્તો લાગ્યો નહોતો.
15 કલાક બાદ મૃતદેહ મળ્યા
આ શોધખોળ દરમિયાન આજે લગભગ 15 કલાક બાદ સવારના આઠ વાગ્યાના અરસામાં બંને ભાઇઓના મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યા હતા. બંને ભાઇઓના મૃતદેહને પોલીસે રાજુલા સિવિલમાં ખસેડ્યા હતા. જોકે, બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પરિવાજનોએ કંઇક અજુગતુ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી મોટી સંખ્યામાં સ્થાનિક આગોવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી બંનેના મૃતદેહને ફોરેન્સિક પી.એમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
પોલીસે તપાસ માટે 7 ટીમ બનાવી
સમગ્ર ઘટના અંગે ધારાસભ્ય હીરા સોલંકીએ પોલીસને ઊંડાણ પૂર્વક તપાસ માટે સૂચના આપતા Dysp હરેશ વોરા પોલીસની અલગ અલગ 7 જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે પરિવારની શંકાના આધારે ગામમાં કે આજુબાજુમાં સીસીટીવી છે કે નહીં એ તપાસ હાથ ધરી છે. જ્યારે સ્થાનિક લોકોને કંઇ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
શું કહે છે Dysp?
આ અંગે Dysp હરેશ વોરાએ જણાવ્યું હતું કે, વિજયભાઇના બંને બાળકો ઘરેથી ગયા હતા. પરિવારને રમવા ગયા હસે એવું લાગ્યું હતું. જોકે, મોડે સુધી પરત ન આવતાં ડુંગર પોલીસમાં ગુના દાખલ કરીને શોધખોળ હાથ ધરી હતી. જ્યારે આજે સવારે તળાવમાંથી મૃતદેહ મળ્યા હતા. બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી ફોરેન્સિક પી.એમ કરાવવું જરૂરી છે. જેથી બંનેના મૃતદેહને ભાવનગર મોકલવામાં આવ્યા છે. તપાસ માટે પોલીસની 7 ટીમો બનાવવામાં આવી છે. આ બનાવમાં હકિકત શું છે એ તપાસ બાદ જ ખ્યાલ આવશે.