આરોપી રાજવીર બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા કલોલ પોલીસ લાઈનમાં રહે છે. જો કે હાલ ઘર બંધ કરી પોલીસ કર્મી પરિવાર સાથે પલાયન થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઇ-મેઇલ દ્વારા ધમકી આપનારા બે લોકોને મુંબઇ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાંથી એક ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. મોટી વાત તો એ છે કે આરોપી પોલીસકર્મચારીનો જ પુત્ર છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આરોપીની કલોલમાંથી ધરપકડ કરી છે.
આરોપી ગાંધીનગર SOGમાં કામ કરતા કર્મચારીનો પુત્ર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને છેલ્લા એક જ મહિનામાં ચાર વાર ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ઇમેઇલ દ્વારા ધમકી મળવાના કેસમાં ગાવદેવી પોલીસ અને મુંબઇ ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપીને તેલંગાણાથી ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપીને ગુજરાતના કલોલમાંથી ઝડપાયો છે. આ આરોપી ગાંધીનગર SOGમાં ASI તરીકે ફરજ બજાવનાર કર્મચારીનો પુત્ર હોવાનું સામે આવ્યુ છે.
આરોપી રાજવીર બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા કલોલ પોલીસ લાઈનમાં રહે છે. જો કે હાલ ઘર બંધ કરી પોલીસ કર્મી પરિવાર સાથે પલાયન થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે.
શનિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીને ધમકીભર્યો ઈમેઇલ મળ્યો હતો.જેમાં ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ પણ જાહેર કરી હતી. આ નવા ઇમેઇલમાં મુકેશ અંબાણીને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ અને પૈસાની માગણીને અવગણશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ગત વર્ષે પણ મળી હતી બોમ્બથી ઉડાવવાની ધમકી
આ અગાઉ પણ મુકેશ અંબાણી અથવા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળેલી છે. ગત વર્ષે 5 ઓક્ટોબરના દિવસે એક વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સાથે જ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ચર્ચા વહેતી થઇ હતી.
જો કે બીજા જ દિવસે તે વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની ઓળખ રાકેશ કુમાર શર્મા તરીકે થઈ હતી. આટલું જ નહીં, થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલું વાહન મળવાના સમાચારે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.