દેશમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહીત રાજ્યના ઘણા શહેરોમાં રવિવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે આ રાજ્યોમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે. રવિવારે કેટલાક રાજ્યોમાં વરસાદ પડ્યા બાદ સોમવારે કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે.
રાજસ્થાનમાં દિવસના તાપમાનનો પારો 8 ડિગ્રી અને દિલ્હીમાં 10 ડિગ્રી ગગડ્યો છે. તેમજ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે તાપમાન શૂન્ય ડિગ્રી નોંધાયું હતું. આના એક દિવસ પહેલા અહીં પારો શૂન્યથી એક ડિગ્રી ઘટ્યો હતો.
આ તરફ રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા છે. અહીં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. જેમાં દાહોદમાં 4, ભરૂચમાં 3, તાપીમાં 2, અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દ્વારકામાં એક-એકના મોત થયા છે.
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હી, યુપી, ઉત્તરાખંડ અને દેશના દક્ષિણી રાજ્યોમાં વરસાદની સંભાવના છે. IMDએ આ સપ્તાહના અંત સુધીમાં દેશભરમાં ઠંડી વધવાની આગાહી કરી છે.
એક સાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે હવામાનમાં પલટો આવ્યો હતો
IMD અનુસાર, હવામાનમાં આ ફેરફાર ચાર સિઝનલ સિસ્ટમ એક સાથે સક્રિય હોવાને કારણે થયો છે. દેશના ઉત્તર ભાગમાં દરિયાની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.
તેમજ સાયક્લોનિક સરક્યુલેશન પણ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યથાવત છે. પશ્ચિમી પવન અને પૂર્વીય પવન દ્વારા રચાયેલી ટ્રફ લાઇન વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.