News Updates
GUJARAT

છતી વીજળીએ અંધારપટ!:ભરૂચ પાલિકાએ રૂ. 7.50 કરોડનું બાકી વિજબીલ ન ભર્યું તો DGVCLએ 2000 સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરી દીધી, ચાર દિવસથી છવાયા છે અંધારા

Spread the love

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રહેતા બે લાખ લોકોએ પાલિકાની બેદરકારીના કારણે હાલ વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ પાલિકા દ્વારા વીજકંપનીનું સાડા સાત કરોડ રૂપિયાનું બાકી વિજબીલ ન ભરતા વીજકંપની દ્રારા શહેરની 2000 જેટલી સ્ટ્રીટ લાઈટનું વિજકનેકશન કાપી અંધારા કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે, શહેરમાં અંધારપટ છવાયાનો આજે ચોથો દિવસ હોવા છતા પાલિકાના સત્તાધીશો હજી ગાંધીનગરથી આ સમસ્યાનો ઉકેલ આવે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ શહેરીજનો વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ સહન કરી રહ્યા છે.

ભરૂચમાં એક વર્ષમાં ત્રીજી વખત અંધારપટ છવાયો
ભરૂચ પાલિકાની આર્થિક સ્થિતિ છેલ્લા લાંબા સમયથી કથળી છે. જેના કારણે પાલિકા વીજ કંપનીનું બિલ ચૂકવવામાં વારંવાર નિષ્ફળ રહેતી હોવાનું સામે આવ્યું છે. આ વર્ષની જ વાત કરીએ તો ભરૂચ પાલિકાની સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કપાયું હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ વખતે પાલિકાએ સાડા સાત કરોડ રૂપિયાનું બાકી વિજબીલ ન ચૂકવ્યું હોવાના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 2000 જેટલી સ્ટ્રીટ લાઈટનું વીજ કનેકશન કટ કરી નાખ્યું છે. જેના કારણે ચાર દિવસથી રાત પડતા જ શહેરના રસ્તાઓ પર અંધારપટ છવાઈ જાય છે.

પૈસા વોટર વર્કસના બાકી, કપાયું સ્ટ્રીટ લાઈટ કનેકશન
દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ભરૂચ નગરપાલિકા પાસે વોટર વર્કસ વિભાગ અને સ્ટ્રીટ લાઈટના વીજ બિલના સાડા સાત કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. મળતી માહિતી મુજબ સ્ટ્રીટ લાઈટના બિલની બાકી રકમ તો લાખોમાં છે જે ભરવા માટે તો પાલિકા પણ તૈયાર છે. પરંતુ, વોટર વર્કસની બાકી રકમ કરોડોમાં હોય પેચ ત્યાં ફસાયો છે. વીજ કંપની પણ પાણીની સુવિધાને ધ્યાનમાં રાખી વોટર વર્કસનું કનેકશન કાપવાના બદલે લાઈટનું કનેકશન કાપી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

શાસકોને ગાંધીનગરથી મદદ મળવાની આશા
ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઈટના નાણાં તો રેગ્યુલર ભરાઈ ગયા છે. જોકે પાછલા બાકી વોટરવર્ક્સના થઈ 7.50 કરોડનું ચુકવણું થઈ શક્યું નથી. જેમાં સરકારની વીજ બિલ માફી પ્રોત્સાહન યોજના પર આશા રખાય રહી છે. સરકાર લોન આપી હપ્તા કરી આપે તો આ સમસ્યાનું કાયમી સમાધાન આવવા સાથે નગરમાં ફરી ક્યારેય અંધારપટ નહીં છવાય. ઉપરાંત ભાજપનાં ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પણ આ બાબતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી રહ્યા હોવાનો સૂર પાલિકા પ્રમુખે પુરાવ્યો હતો.

કરોડોનો ટેક્સ વસૂલતી પાલિકા વીજબિલ કેમ નથી ભરી શક્તી?- વિપક્ષ
વિપક્ષ કોંગ્રેસ પણ આ તક નો પૂરો લાભ લઈ પ્રજા માટે લડી લેવાના મૂડમાં છે. નગરપાલિકાના વિરોધપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, ભરૂચ નગરપાલિકા ટેકસમાંથી વર્ષે 39 કરોડ વસૂલવા છતાં 7.5 કરોડ નું વીજ બિલ નહિ ભરતા શાસક પક્ષ સદંતર નિષ્ફળ ગયું હોવાના ખુલ્લા આક્ષેપ કર્યા હતા અને ફકત વાતોમાં છે વિકાસ નગરપાલિકાની તિજોરી ભાજપે કરી છે ખલાસ એવું જણાવ્યું હતું.

RTI એક્ટિવિસ્ટોએ તો પાલિકાને મદદ કરવા ભીખ માગી વિરોધ કર્યો
RTI એકિટવિસ્ટોએ પણ ભરૂચમાં નગરપાલિકા પ્રજા પાસે ભીખ માંગી પૈસા ઉઘરાવતી હોઈ તેવી વેશભૂષા ધારણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાજુ પંડિત, સેજલ દેસાઈ સહિતના સભ્યો ભરૂચના જાહેર સ્થળોએ નગરપાલિકા માટે ભીખ માંગતા નજરે પડ્યાં હતાં.

ભરૂચની માફક આમોદ અને જંબુસરમાં પણ અંધારપટ
ભરૂચ પાલિકાની માફક આમોદ અને જંબુસર પાલિકા પણ વીજકંપનીને બાકી વિજબીલ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વીજકંપનીએ આ બંને પાલિકાના સ્ટ્રીટલાઈટના વીજ કનેકશન પણ કટ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.

વીજ કંપની આ વખતે કરોડોના બાકી લેણા ને લઈ ઉઘરાણી માટે મક્કમ છે. હજી ચારેય નગરમાં જો સરકાર દખલગીરી નહિ કરે તો અંધારપટ વધુ દિવસો સુધી ચાલી શકે તેમ છે. લોકસભા ચૂંટણીને લઈ હવે રાજ્ય સરકાર તેમના હસ્તકની વીજ કંપનીને હલાવે તો જ ચારેય પાલિકામાં વહેલી તકે પ્રકાશ ફરી પથરાઈ શકે તેમ છે. હાલ તો ભરૂચમાં પાડાના વાંકે પખાલીને ડામની ઉકિત સાર્થક થઈ રહી છે.


Spread the love

Related posts

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન માં લોહાણા સમાજ ની દીકરી એ નોંધાવેલ સાસરિયા વિરુદ્ધ ફરીયાદ

Team News Updates

55 દીકરીઓનાં લગ્ન માત્ર એક રૂપિયામાં; અલગ-અલગ 51 ગિફ્ટ પણ આપી ,કન્યાપક્ષ પાસેથી માત્ર એક રૂપિયો ટોકન 

Team News Updates

તહેવાર માતમમાં પરિણમ્યો:ધોરાજીમાં તાજિયા વીજલાઇનને અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગતાં નાસભાગ, 2નાં મોત, હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં

Team News Updates