હવે મેટાની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં કોઈ પણ વ્યક્તિ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. આ માટે કંપની જલ્દી જ એપમાં ‘સ્ક્રીનશોટ બ્લોકિંગ – પ્રોફાઇલ ફોટો’ ફીચર લાવવા જઈ રહી છે. આ ફીચરમાં યુઝર તેની પ્રોફાઈલ પિક્ચર બ્લોક કરી શકશે. આ સાથે, કોઈ પણ વ્યક્તિની પરવાનગી વિના પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppએ આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કર્યું છે. પરીક્ષણ કર્યા પછી, તે નવા અપડેટમાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે. સુવિધાનો ઉપયોગ કરવા માટે, યુઝર્સે અપડેટ વર્ઝન 2.24.4.25 ઇન્સ્ટોલ કરવું પડશે. કંપની યુઝરની પ્રાઈવસી વધારવા માટે આ ફીચર લાવી રહી છે.
સ્ક્રીનશોટ લીધા પછી તમને ચેતવણી સંદેશ મળશે
વોટ્સએપે લગભગ 5 વર્ષ પહેલા અન્ય યુઝર્સના પ્રોફાઈલ ફોટો સેવ કરવાનો વિકલ્પ હટાવી દીધો હતો, પરંતુ હવે સ્ક્રીનશોટ લઈ શકાશે. આ ફીચર આવ્યા પછી, જો કોઈ વ્યક્તિ તમારા પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ લેશે, તો તેને એક ચેતવણી સંદેશ દેખાશે (એપ પ્રતિબંધોને કારણે સ્ક્રીનશોટ લઈ શકાતો નથી). રિપોર્ટમાં સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે જ્યારે તમે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરો છો, ત્યારે એક ચેતવણી સંદેશ (એપ પ્રતિબંધોને કારણે સ્ક્રીનશોટ લઈ શકતા નથી) દેખાય છે.
આ નવી સુવિધા યુઝર્સને તેમની પરવાનગી વિના પ્રોફાઇલ ફોટા કેપ્ચર અને શેર કરવાથી અટકાવે છે. આ યુઝર્સને ગોપનીયતા સુરક્ષાનું વધારાનું સ્તર આપે છે. જો કે યુઝર્સ હજુ પણ પ્રોફાઈલ ફોટો ચોરવા માટે સેકન્ડરી ડિવાઈસ અથવા કેમેરાનો ઉપયોગ કરી શકે છે, કંપનીએ એપમાં સ્ક્રીનશોટ બ્લોક કરી દીધા છે.
ડીપફેકને રોકવા માટે WhatsApp એક હેલ્પલાઇન શરૂ કરશે
AI-જનરેટેડ ખોટી માહિતી, ખાસ કરીને ડીપફેક્સનો સામનો કરવા માટે WhatsApp ટૂંક સમયમાં એક હેલ્પલાઇન શરૂ કરશે. આ માટે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા અને મિસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ (MCA)એ ભાગીદારી કરી છે. આ હેલ્પલાઇન ચેટબોટના રૂપમાં હશે, જે અંગ્રેજીની સાથે ત્રણ સ્થાનિક ભાષાઓ (હિન્દી, તમિલ અને તેલુગુ)માં શરૂ થશે. દેશભરના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. તમે તપાસ માટે ચેટબોટ દ્વારા ટેક્સ્ટ સંદેશાઓ, છબીઓ અને વિડિયો મોકલીને જાણ કરી શકશો.
એમસીએ ‘ડીપફેક એનાલિસિસ યુનિટ’ની સ્થાપના કરશે
WhatsApp હેલ્પલાઈન દ્વારા મળેલી ફરિયાદોનું વિશ્લેષણ અને સંચાલન કરવા માટે એમસીએ એક કેન્દ્રીય ‘ડીપફેક એનાલિસિસ યુનિટ’ની સ્થાપના કરશે.
ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે DAU જરૂરી છે
મેટા ખાતે પબ્લિક પોલિસી ઈન્ડિયાના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલે જણાવ્યું હતું કે અમે AI દ્વારા પેદા થતી ખોટી માહિતીની ચિંતાઓને ઓળખીએ છીએ. અમારું માનવું છે કે સમગ્ર ઉદ્યોગે આનો સામનો કરવા માટે નક્કર અને જરૂરી પગલાં લેવાની જરૂર છે. MCAના અધ્યક્ષ ભરત ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ યુઝર્સમાં AI દ્વારા પેદા થતી ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ‘ડીપફેક એનાલિસિસ યુનિટ’ (DAU) જરૂરી છે.
ડીપફેકને રોકવાની જવાબદારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, ‘ભારતમાં તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ એ સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી ધરાવે છે કે યુઝર્સ તેમના પ્લેટફોર્મ પર કોઈ ખોટી માહિતી અથવા ડીપફેક પોસ્ટ ન કરે’.