વડાપ્રધાને GCMMFના સહાકર સંમેલનમાં આજે નમો ડ્રોન દીદી યોજના વિશે જણાવતા કહ્યુ કે, આ અભિયાન અંતર્ગત અત્યારે શરુઆતમાં ગામોના સ્વયં સહાયતા સમુહોને 15 હજાર આધુનિક ડ્રોન આપવામાં આવી રહ્યા છે. આ આધુનિક ડ્રોન ઉડાવવા માટે નમો ડ્રોન દીદીને તાલીમ પણ આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCMMFના સહાકર સંમેલનમાં આજે નમો ડ્રોન દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો. લખપતિ દીદી યોજના બાદ નમો ડ્રોન દીદી યોજનાએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ છે. અમે તમને જણાવીશું કે આ નમો ડ્રોન દીદી યોજના શું છે અને તેના હેઠળ શું કામ થશે.
વડાપ્રધાને GCMMFના સહાકર સંમેલનમાં આજે નમો ડ્રોન દીદી યોજના વિશે જણાવતા કહ્યુ કે, આ અભિયાન અંતર્ગત અત્યારે શરુઆતમાં ગામોના સ્વયં સહાયતા સમુહોને 15 હજાર આધુનિક ડ્રોન આપવામાં આવી રહ્યા છે. આ આધુનિક ડ્રોન ઉડાવવા માટે નમો ડ્રોન દીદીને તાલીમ પણ આપવામાં આવી રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ગામે ગામ નમો ડ્રોન દીદી કીટ નાશક છંટકાવથી લઇને ખાતરનો છંટકાવ કરવામાં પણ સૌથી આગળ રહેશે.
મહત્વનું છે કે બજેટ 2024-25માં નાણામંત્રી નિર્મલા સીતારમણે નમો ડ્રોન દીદી યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી. નમો ડ્રોન દીદી યોજના માટે સરકારે વચગાળાના બજેટમાં 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ ગત વર્ષની ફાળવણી (રૂ. 200 કરોડ) કરતાં 2.5 ગણી વધારે છે. નમો ડ્રોન યોજના માટે વધેલા ભંડોળ કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
નમો ડ્રોન દીદી યોજના શું છે ?
આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણીની તાલીમ આપવામાં આવશે. તેમને ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ કામગીરી માટે પણ તાલીમ આપવામાં આવશે. તેમાં પાકની દેખરેખ, જંતુનાશકો અને ખાતરોનો છંટકાવ અને બિયારણની વાવણીનો સમાવેશ થાય છે.
આ યોજના ક્યારે શરૂ થઈ?
નમો ડ્રોન દીદી યોજના 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જે અંતર્ગત આગામી 5 વર્ષમાં 1 લાખ મહિલાઓને તાલીમ આપવામાં આવશે. આ યોજના સમગ્ર દેશમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) દ્વારા લાગુ કરવામાં આવશે.
યોજનાનો શું ફાયદો થશે?
મહિલાઓને ડ્રોન દીદી યોજનાના ઘણા ફાયદા થશે. તેના દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થશે. આ યોજના તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવશે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધવાની અપેક્ષા છે. આ યોજનાથી કૃષિ ખર્ચ ઘટાડી શકાય છે. તેનાથી રોજગારીની તકો પણ વધશે. નમો ડ્રોન દીદી યોજના એ ભારત સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે.
ડ્રોન દીદી માટે રકમની ફાળવણી કેમ વધી?
સરકારનો લક્ષ્ય આગામી 3 વર્ષમાં 10 લાખ મહિલાઓને ડ્રોન ઉડાડવા અને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરવા તાલીમ આપવાનો છે. જે માટે સરકાર ડ્રોન માટે તાલીમ કેન્દ્રો, સમારકામ કેન્દ્રો અને ચાર્જિંગ સ્ટેશન બનાવશે.