કેન્દ્ર સરકારે એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ દૂર કરવા કહ્યું છે. X એ તેના ગ્લોબલ ગવર્મેન્ટ અફેર્સ એકાઉન્ટ દ્વારા આ દાવો કર્યો છે. પ્લેટફોર્મે કહ્યું કે અમે આ સાથે સહમત નથી, આ પોસ્ટ અને એકાઉન્ટ ફક્ત ભારતમાં જ દેખાશે નહીં.
ઈન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં દાવો કર્યો છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં ટ્વિટ કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, ગૃહ મંત્રાલયે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સેંકડો એકાઉન્ટ્સ અને લિંક્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.
ગ્લોબલ ગવર્મેન્ટ અફેર્સની સંપૂર્ણ પોસ્ટ વાંચો…
‘ભારત સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યા છે, જેમાં એક્સને કેટલાક એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ પર પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આમ નહીં કરવા પર દંડ અને જેલ પણ થઇ શકે છે.
આદેશોના પાલનમાં, અમે તેને ફક્ત ભારતમાં જ અવરોધિત કરીએ છીએ; જો કે, અમે આ કાર્યવાહીથી અસહમત છીએ અને માનીએ છીએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા બધાને મળવી જોઈએ.
ભારત સરકારના બ્લોકીંગ ઓર્ડરને પડકારતી રિટ અપીલ હાલમાં પેન્ડીંગ છે. અમે અમારી નીતિઓ અનુસાર પ્રભાવિત યુઝર્સને આ કાર્યવાહી અંગે જાણ પણ કરી છે.
કાયદાકીય પ્રતિબંધોને કારણે, અમે એક્ઝિક્યુટિવ ઓર્ડર પ્રકાશિત કરવામાં અસમર્થ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે પારદર્શિતા માટે તેને જાહેર કરવા જરૂરી છે.
2021માં પણ ખેડૂત આંદોલનમાં એકાઉન્ટ હટાવવા કહેવાયું હતું.
અગાઉ 2021માં પણ ખેડૂતોના વિરોધ દરમિયાન પ્લેટફોર્મ અને ભારત સરકાર વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. કેન્દ્રએ કંપનીને કથિત “ખાલિસ્તાન” લિંક્સને લઇને લગભગ 1,200 એકાઉન્ટ્સ હટાવવા કહ્યું હતું.
ઑક્ટોબર 2022માં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું
મસ્કે 27 ઓક્ટોબર, 2022ના રોજ 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. ત્યારથી, તેમણે તેમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેમાં સૌથી મોટો ફેરફાર ટ્વિટરનું નામ બદલીને X કરવાનો છે. આ સિવાય તેમણે શરુઆતમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા જે ચર્ચામાં રહ્યા હતા.
એલોન મસ્કના મોટા નિર્ણયો જે ચર્ચામાં રહ્યા…
1. અડધાથી વધુ કર્મચારીઓને છૂટા કર્યા
ટ્વિટર ખરીદ્યા પછી, મસ્કે સૌથી પહેલા કંપનીના ચાર ટોચના અધિકારીઓને બરતરફ કર્યા. જેમાં સીઈઓ પરાગ અગ્રવાલ, ફાઈનાન્સ ચીફ નેડ સેગલ, લીગલ એક્ઝિક્યુટિવ્સ વિજયા ગડ્ડે અને સીન એજેટનો સમાવેશ થાય છે. તે સમયે તેમાં લગભગ 7,500 કર્મચારીઓ હતા.
2. ઘણા બ્લોક એકાઉન્ટને અન-બ્લોક કર્યા
નવેમ્બર 2022માં, મસ્કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા બ્લોક કરેલા એકાઉન્ટ્સને અન-બ્લોક કર્યા. ટ્રમ્પની વાપસીને લઈને તેમણે ટ્વિટર પર એક મતદાન કર્યું હતું. તેમણે પૂછ્યું હતું કે, શું રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. ‘હા કે ના’. 1.5 કરોડથી વધુ વપરાશકર્તાઓએ મતદાનમાં ભાગ લીધો અને 52% લોકોએ ‘હા’માં જવાબ આપ્યો.
3. બ્લુ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી
એલોન મસ્કે વિશ્વભરમાં બ્લુ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું. ભારતમાં વેબ યુઝર્સ માટે બ્લુ સબસ્ક્રિપ્શન કોસ્ટ 650 રૂપિયા રાખવામાં આવી હતી. મોબાઈલ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ 900 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવ્યો હતો. તેમાં બ્લુ ટિક, લાંબી વીડિયો પોસ્ટ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે.
4. અક્ષર મર્યાદા વધી, પોસ્ટ વાંચવા માટેની મર્યાદા
મસ્કે પોસ્ટની અક્ષર મર્યાદા 280થી વધારીને 25,000 કરી હતી. પોસ્ટ વાંચવા માટેની મર્યાદા પણ લાગુ કરવામાં આવી છે. વેરિફાઈડ યુઝર્સ એક દિવસમાં માત્ર દસ હજાર પોસ્ટ જ વાંચી શકે છે. અનવેરિફાઇડ યુઝર્સ એક હજાર પોસ્ટ વાંચી શકે છે, જ્યારે નવા અનવેરિફાઇડ યુઝર્સ દરરોજ માત્ર 500 પોસ્ટ જ વાંચી શકે છે.
5.પ્લેટફોર્મનું નામ અને લોગો બદલીને X કર્યું
24 જુલાઈ, 2023ના રોજ, એલોન મસ્કે ટ્વિટરનું નામ અને લોગો બદલીને X કરી દીધો. આ પછી, 26 જુલાઈએ મોડી રાત્રે, લોગોની ડિઝાઇનમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો. X લોગોને વધુ બોલ્ડ અને તીક્ષ્ણ બનાવવામાં આવ્યો હતો. મસ્કએ કહ્યું હતું કે, સમયની સાથે લોગો ડેવલપ થશે.