News Updates
RAJKOT

હનીટ્રેપમાં વોટ્સએપથી લઈ મળવા સુધીની કહાણી:જસદણના વેપારીને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવા ટોળકીએ ધમકી આપી 3 લાખ પડાવ્યા, બે મહિલા સહિત સાતની ધરપકડ

Spread the love

રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ માર્કેટ યાર્ડના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની જેમાં આરોપીઓએ દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાના બહાને 3 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે બે મહિલા સહિત સાત આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.30 લાખ રોકડ તેમજ મોબાઈલ અને મોટરકાર મળી કુલ 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક હનીટ્રેપના કેસમાં કેવી રીતે ફસાયો જાણો અહીં…
ફરિયાદી કલ્પેશભાઈ જેન્તીભાઈ કાનાણી (ઉં.વ.38)એ જણાવ્યું હતું કે, હું જસદણ માર્કેટીંગ યાર્ડમાં તુલશી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવું છું. મારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. ગત તા.27/02/2024ના રોજ સાંજના 8.43 વાગ્યે મારા મામાના ઘરે પ્રસંગમાં હતો. ત્યારે મારા વોટ્સએપમાં મેસેજ આવ્યો જેમાં…

  • મહિલા: Hi
  • ફરિયાદી: Hi
  • મહિલા: કેમ છો?
  • ફરિયાદી: મજામા, પણ તમે કોણ?
  • મહિલા: હું કાજલ પાનસુરીયા
  • ફરિયાદી: તમારૂ ફેક આઇ.ડી હોય તેવુ લાગે છે…

(આટલું કહેતા મહિલાએ વીડિયોકોલ કર્યો અને તુરંત કટ કરી નાખ્યો)

જસદણ જુના બસ સ્ટેન્ડ પર ગાડી લઈને આવવાનું કીધું
બીજા દીવસે તા.28/02/2024ના રોજ સવારના આશરે 11 વાગ્યાની આસપાસ મારા વોટ્સએપમાં ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો. ત્યાર બાદ બપોરના દોઢ વાગ્યાની આસપાસ પણ મેસેજ આવેલો. મેં જવાબ આપતા કહ્યું કે, અમારે કામથી રાજકોટ જવુ છે. એટલે તેણીએ કહેલું કે, હું બોટાદથી નીકળું છું મને રાજકોટ લેતા જાવ. જેથી મેં હા પાડી, બાદમાં અમારે મોડું થયેલું. મેં આ નંબરમાં ફોન કર્યો હતો અને ક્યાં પહોંચ્યા તેમ પુછ્યું. ત્રણ-ચાર વાર વાત કરી ત્યારે ફોન આવ્યો અને કહ્યું કે, હું જસદણ જુના બસ સ્ટેન્ડ પર પહોંચી ગઈ છું. જેથી હું જુના બસ સ્ટેન્ડ ખાતે ગયો. તેઓએ જણાવેલું કે, હું નાના છોકરાને તેડીને ઉભી છું. મેં જોયું તો એક મહિલા આગળ ઉભી હતી. મેં મારી ગાડી તેની બાજુમાં ઉભી રાખી. આ મહિલા આશરે 20 થી 25 વર્ષની હોય તેવું લાગ્યું. બાદમાં એ પાછળની સીટમાં તેના સાથે રહેલા બાળક સાથે બેસી ગઈ.

મહિલાએ ગાડી ઉભી રખાવી ને પછી…
હું ગાડી લઈ રાજકોટ તરફ જવા નીકળ્યો અને ત્રંબા પાસે આવેલી ચોકડીથી નવા રીંગ રોડ પર કોઠારીયા સાઈડ આશરે 5થી 7 કિ.મી. દુર જતા પાછળ બેસેલી મહિલાએ ગાડી ઉભી રાખવા કહ્યું. મેં ગાડી ઉભી રાખી ત્યારે તુરંત જ અમારી પાછળ એક ફોરવ્હીલ ગાડી ઉભી રહી. ગાડીમાંથી ચાર અજાણ્યા વ્યક્તિ ઉતરી મારી પાસે આવ્યા અને મને લાફા મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, તને ભાન છે, આ મહિલા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલી છે અને તું ફેરવે છે. આટલું બોલી ફરી મારવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા. મારી ગાડીમાં જો મહિલા બેઠી હતી તેને એક વ્યક્તિ પાછળની ગાડીમાં લઈ ગયો. બાદમાં મને પાછળની સીટમાં બેસવાનું કહી મારી ગાડીમાં ત્રણ અજાણ્યા વ્યક્તિ બેઠા. તેમાંથી એક વ્યક્તિએ મારી ગાડી ચલાવીને મને ત્રંબા સાઇડ લઇ ગયા.

પાંચ લાખની માગ કરી
ગાડીમાં કહેવા લાગ્યા કે, તારે જો જેલમાં ના જવું હોય તો 5 લાખ તાત્કાલિક આપવા પડશે. નહીંતર તારા ઉપર છોકરી પાસે બળાત્કારની ફરિયાદ કરાવડાવી દેશુ. જેથી મેં કહેલું કે, આટલા બધા પૈસા અમારી પાસે નથી. પછી તેઓએ છેલ્લા 3 લાખ રૂપિયા આપવા કહેલું. એટલે મેં સમાજમાં આબરૂ ન જવાના ડરથી 3 લાખ રૂપિયા આપવા માટે હા પાડી. મેં ત્યાથી જ મારા મિત્ર વિપુલભાઈ પદમાણીને ફોન કરી કહ્યું કે, હું રાજકોટ છું, મારે અત્યારે તાત્કાલિક 3 લાખ રૂપિયાની જરૂર પડી છે, તું વી-પટેલમાં આંગડીયુ કર જેથી તેણે હા પાડી. અમે ગાડીમાં બેસેલા લોકોની સૂચના મુજબ વિપુલને ગોંડલ રોડ પર નજીકમાં આંગડીયુ કરાવવાનું કહ્યું. અમે ત્રાંબા સાઈડ ઉભા હતા ત્યારે રાજકોટ વી-પટેલમાંથી ફોન આવ્યો અને કહેલું કે, કલ્પેશભાઈ તમારૂ 3 લાખનું આંગડીયું આવી ગયું છે. તમે 6.30 વાગ્યા પહેલા ગોંડલ રોડ સમૃદ્ધિ ભવન ખાતેથી લઇ જાવ. આટલું સાંભળી આ લોકોએ ગાડી હંકારી આગળ રસ્તામાં બે જણા ઉતરી ગયા અને પછી મને ગાડી ચલાવવાનું કહ્યું. મારી બાજુમાં એક વ્યક્તિ બેસેલી હતી.

સમાજમાં આબરૂ જવાની બીકથી કોઇને વાત ન કરી
આંગડીયા પેઢીમાં તે વ્યક્તિ સાથે આવ્યા અને આંગડીયા પેઢી ખાતે મારા મોબાઈલ નંબરમાં વેરીફીકેશન કરી 3 લાખ રૂપિયા આપ્યા. એ 3 લાખ રૂપિયા સીધા મારી સાથે આવેલા અજાણ્યા વ્યક્તિએ લઇ લીધા. બાદમાં આ અજાણ્યો માણસ કોઇને ફોન કરીને તેના સાહેબ સાથે વાત કરાવુ તેમ કહી નીકળી ગયો હતો. બાદમાં જસદણ આવતા રહ્યા અને આ લોકોએ રસ્તામાં મને કોઇને વાત કરીશ તો બળાત્કારની ખોટી ફરિયાદ કરી ફીટ કરી દઇશું તેમ કહ્યું હતું. જેથી હું ડરી ગયેલો અને અમારા વિરૂદ્ધ ખોટી બળાત્કારની ફરિયાદ થાય તો અમારી સમાંજમાં આબરૂ જવાની બીકથી કોઇને વાત ન કરી.

લૂંટ માટે કાવતરૂ રચ્યું
મને વિચાર આવ્યો કે આજે હું ભોગ બન્યો છું, જો હું કાઇ નહીં કરૂ તો કાલે બીજી વ્યક્તિ આ લોકોનો ભોગ બનશે. એટલે મે આ બાબતે મારા મોટાભાઈ ગીરીશભાઈ કાનાણીને વાત કરતા તેઓએ હિંમત આપી અને આજરોજ ફરિયાદ કરવા આવ્યો છું. આ લોકોએ મને ઢીકાપાટુનો માર માર્યો જેમાં મને સામાન્ય ઈજા થઈ હતી એટલે મેં કોઇ સારવાર કરાવી નથી. આમ આ લોકોએ અમારી પાસેથી પૈસા પડાવવા માટે અગાઉથી કાવતરૂ રચ્યું હતું. જેમાં અજાણી મહિલાએ મારો વોટ્સએપના માધ્યમથી સંપર્ક કર્યો, અમારી સાથે ફોરવ્હીલ ગાડીમાં બેસીને આવી, તેઓના પ્લાન મુજબ તેની પાછળ ચાર અજાણ્યા માણસો ફોરવ્હીલ ગાડીમાં આવ્યા, મહિલાએ મારી ગાડી ઉભી રખાવતા આ લોકો આવી જઇ અને મને ઢીકાપાટુનો માર માર્યો, ગાળો આપી તેમજ અમો આ મહિલાને ત્રણ દીવસથી ફેરવીએ છીએ તેવો આક્ષેપ કર્યો, બળાત્કારની ખોટી ફરિયાદના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી અને મારી પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા.

5.56 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
જસદણ પોલીસ મથકમાં નોંધાયેલી હની ટ્રેપની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી અને ચોક્કસ બાતમીના આધારે હનીટ્રેપ ગુનાને અંજામ આપનાર જયપાલ આલ, અતુલ સદાદીયા, કિસ્મત ધાંધળ, અશોક આલ, મહિપતસિંહ ગોહિલ અને બે મહિલા સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેની પાસેથી પોલીસે કુલ 2.30 લાખ રોકડ, મોબાઈલ ફોન અને મોટરકાર મળી કુલ 5.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેમજ અન્ય કોઈને હનીટ્રેપમાં ફસાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Spread the love

Related posts

રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, 214 કરોડની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું

Team News Updates

આ ખોરાક બીમારીને નોતરશે:રાજકોટનાં લાલજી દિલ્લીવાલે, શિવા મદ્રાસ કાફે સહિત 38 સ્થળો પર ચેકીંગમાં શાકભાજી-મંચુરિયન સહીત 27 કિલો વાસી ખોરાક મળ્યો

Team News Updates

531 સફાઈ કર્મીની ભરતી થશે:રાજકોટની મુલાકાતે સફાઈ કર્મચારી રાષ્ટ્રીય આયોગના ચેરમેન; કર્મીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, સુવિધા, વેતન સહિતના મુદ્દે ચર્ચા કરી

Team News Updates