ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ માટે ગયેલો હતો અને ત્યારે ઓફિસમાં આરામથી બેઠેલા યુવાનના ખિસ્સામાં રહેલો VIVOનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતાં યુવાન પગના સાથળના ભાગે અને હાથના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ગંભીર દુર્ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું.
મોબાઇલમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા
ઉનામાં આવેલી મુથુટ ફાઇનાન્સની ઓફિસે ગીર ગઢડાના દ્રોણ ગામે રહેતા દલપત શંભુભાઈ મકવાણા કોઈ કામ માટે આવ્યાં હતા. ત્યાં ઓફિસના ટેબલ પર બેઠો હતો એ દરમિયાન થોડીકવારમાં યુવાનના ખિસ્સામાં રહેલો VIVO Y51 કંપનીનો મોબાઇલ અચાનક ગરમ થવા લાગ્યો અને ધુમાડા નીકળવા લાગ્યા હતા. અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાને તુરંત પોતાના ખિસ્સામાં હાથ નાખીને હિંમતભેર મોબાઇલ બહાર કાઢી ફેંકી દીધો હતો. જેથી સદનસિબે મોટી દુર્ઘટના થતાં અટકી હતી.
લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું
આ સમયે ફાઇનાન્સની ઓફિસમાં રહેલા લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. તેવામાં ત્યાં હાજર એક યુવાને આ બ્લાસ્ટ થયેલો મોબાઇલ પગ વડે ઓફિસની બહાર ફેંકી દીધો હતો. જોકે આ ઘટનામાં યુવાન પગના સાથળના ભાગે અને હાથના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. સદનસિબે આ ઘટનામાં મોટી જાનહાની થતી અટકી હતી. અચાનક મોબાઇલ બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના ફાઇનાન્સ ઓફિસમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટનામાં મોબાઇલ બળીને ખાખ થઈ ગયો હતો.