લાંગરેલી બોટ દરિયામાં ઉતારવા માટે પણ ખાસ ક્રેન, ટ્રેલર અને 8 લોકોની મદદ લેવામાં આવે છે
માછીમારીનું નામ પડે એટલે વેરાવળ બંદર અગ્રેસર જ હોય છે પરંતુ હાલ વિપરીત પરિસ્થિતીનો સામનો વેરાવળના માછીમારો કરી રહ્યા છે.આગામી તા.1થી માછીમારીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વેરાવળ બંદરે લાંગરેલી નાના મોટી 3000 થી વધુ બોટો પૈકી મોટા ભાગની બોટો દરિયામાં ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ખાસ કામગીરી માટે પણ માછીમારોને એક ક્રેન, ટ્રેલર અને 8 થી 10 લોકોની જરૂરિયાત પડે છે.જેની મદદથી દોરડા બાંધીને આ મહાકાય બોટ જે માછીમારોની આજીવિકાનું સાધન છે તેને અરબી સમુદ્રમાં ઉતારવામાં આવે છે.હાલ વેરાવળના માછીમારોની ખૂબ કફોડી પરિસ્થિત છે પરંતુ પોતાની આજીવિકા ચલાવવા માછીમારો લોન કે વ્યાજે પૈસા લઇને પણ પોતાના ટંડેલને ચૂકવી, ડીઝલ, બરફ વગેરે જેવી સામગ્રીઓ એકઠી કરી અને પોતાની બોટો દરિયામાં ઉતારવાની કામગીરી કરી રહ્યા છે.જેથી આગામી તા.1 થી લગભગ 50 ટકા જેટલી બોટો દરિયો ખેડવા જશે જેના બાદ ધીમે ધીમે આગામી 15 થી 20 દિવસોમાં તમામ બોટો દરિયામાં માછીમારી માટે ઉતરશે.નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા વેરાવળ બંદરે ફેસ – 2 ની કામગીરી પણ ચાલી રહી છે જેના પગલે આવનારા વર્ષોમાં વધુ બોટ લાંગરી શકાય તેવી વ્યવસ્થા પણ થશે તેમજ ક્યાંક ને ક્યાંક માછીમારોનો પણ વિકાસ થશે.
ચોમાસા દરમિયાન દોઢ થી બે લાખનો રીપેરીંગ ખર્ચ કરી માછીમારો બોટ તૈયાર કરી માછીમારીની શરૂઆત કરે છે. છેલ્લા 4 થી 5 વર્ષથી માછીમારોની હાલત ખુબ જ ખરાબ થઈ છે ત્યારે આ વર્ષે મોટા ભાગના માછીમારો પોતાના દાગીના ગીરવે મૂકીને લોન કે ઉછીના પૈસા લઈને આગામી તા.1 થી માછીમારીની શરૂઆત કરશે.જેમાં 50 ટકા જેટલી બોટ 1લી તારીખથી દરિયામાં ઉતરશે જ્યારે બાકીની જમીન પર રહેલી બોટો આગામી 15 દિવસ દરમિયાન માછીમારી માટે જશે.
- તુલસીભાઈ ગોહેલ ( પ્રમુખ – ખારવા સયુંકત માછીમાર બોટ એસો. )
તાજેતરમાં વરસાદી તારાજીના પગલે 2 બોટ તૂટી ગઈ હતી અને 80 થી 100 જેટલી બોટોને નુકસાન થયું છે જેના પગલે ફિશરીઝ અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા આ બાબતે સર્વે કરી સહાય ચુકવવામાં આવે તો ખાસ કરીને નાના માછીમારોને ફિશીંગ માટે મદદ મળી રહેશે.દામજીભાઈ ફોફંડી ( ઉપપ્રમુખ – ખારવા સયુંકત માછીમાર બોટ એસો. )
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)