પોલીસે ચિચોડાના ખાનાઓની તપાસ કરી તો દારૂ – બિયરનો જથ્થો મળી આવ્યો, બિયરને ચિલ્ડ કરી ગ્રાહકોને વેચતો હતો
ગુજરાતમાં દારૂ ઘૂસાડવા અને વેચવા માટે બુટલેગરો નવાનવા કીમિયા કરતા હોય છે. વલસાડના પારડીમાં શેરડીના હરતા ફરતા રસના ચિચોડામાં છુપાવેલી ઈંગ્લીશ દારૂની 180 બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચોક્કસ બાતમીના આધારે રસનું વેચાણ કરી રહેલા શખ્સના ચિચોડાની તપાસ કરતા ચિચોડાના અલગ અલગ ખાનામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રસનો ચિચોડો કબજે કરી તેના ચાલકની ધરપકડ કરી લીધી છે.
ઉનાળાની ગરમી શરૂ થતા રસ્તા પર રસના ચિચોડા ફરતા થયા છે. ત્યારે વલસાડના પારડીમાં એક શખ્સે દારૂની હેરાફેરી માટે રસના હરતા ફરતા ચિચોડાનો ઉપયોગ કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. રતનલાલ પ્રહલાદ સૈની નામનો શખ્સ બગવાડા ટોલનાકા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હોય પોલીસે બાતમીના આધારે રોકી ચિચોડાની તપાસ હાથ ધરી હતી. રસના ચિચોડામાં બનાવેલા અલગ અલગ ચોરખાનામાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બિયરના ટીન ઠંડા કરવા બરફમાં રાખ્યા હતા
રસના ચિચોડામાં સામાન્ય રીતે રસમાં નાખવા માટે બરફ રાખવામાં આવતો હોય છે. પરંતુ, દારૂ સાથે ઝડપાયેલા આ ચિચોડામાં તો બરફની અંદરથી બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂનું વેચાણ કરતા શખ્સે પોતાના ગ્રાહકો માટે પૂરતી વ્યવસ્થા કરી રાખી હતી. પોલીસે રસના ચિચોડા સાથે તેના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.