News Updates
GUJARAT

કચ્છ-સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો:ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો, બનાસકાંઠા-પાટણ જિલ્લાનાં અનેક ગામડાઓને એલર્ટ

Spread the love

રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં સતત પાંચમાં દિવસે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારના અનેક ગામડાઓને એલર્ટ અપાયું છે.

દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું
રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થઇ છે. દાંતીવાડા ડેમમાં હાલ પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું છે. આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટે છે. પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાય તો કોઈ નુકસાન ન થાય તે માટે ડેમ અને બનાસનદીના કાંઠાના ભડથ, મોરથલ ગોળીયા, ચંદાજી ગોળીયા અને રાણપુર સહિત નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે.

પાટણ જિલ્લાના પણ 56 ગામોને એલર્ટ
દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં પાટણ જિલ્લાના પણ 56 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં સરસ્વતી તાલુકાના 02 ગામ, રાધનપુરના 26 ગામ, સાંતલપુરના 09 ગામ અને સમી તાલુકાના 19 ગામોને એલર્ટ કરાયા છે અને નીચાણવાળા ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઇ છે. તો સાંતલપુરમાં પડેલા 6 ઈંચથી વધુ વરસાદને લઈ ચારણકા સોલાર પાર્કનું Rcc તળાવ પાણી ઓવરફ્લો થયું છે.

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમીમાં)
સુરતબારડોલી54
તાપીવાલોદ54
તાપીવ્યારા44
સુરતપલસાણા43
મહિસાગરખાનપુર39
તાપીઉચ્છલ29
તાપીસોનગઢ28
પંચમહાલજાંબુઘોડા21

ધોરાજીના છાડવાદર ગામે બે યુવકો પાણીમાં તણાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવાને વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જયારે અન્ય એક યુવાન પાણીમાં આગળ તણાઇ જતા ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જેને લઇ ડિઝાસ્ટર ટિમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે, 12 કલાક કરતા વધુ સમય થયો હજુ પણ યુવક ન મળતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.​​​​​​

પાવીમાં વરસાદની ધમાકેદાર બેટિંગ
છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. પાવીમાં સવાર સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારમાં જ પડેલા ધોધમાર વરસાદને પગલે જન જીવન ખોરવાયું છે. જાણે રાતનું અંધારું થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. જ્યારે દૂધવાલ કોતરમાં ફૂલ પાણી આવતાં ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તો કવાંટ તાલુકાના કોચવડ ગામે નદીના પાણી આવતાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. તો જિલ્લાની હેરણ નદી બે કાંઠે થતા રાજ વાસણા આડ બંધ ઓવરફલો થયો છે.

ઉપલેટામાં જળબંબાકાર જેવી સ્થિતિ
આ તરફ ઉપલેટામાં પણ ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે બાદ મંગળવારે પણ ધોધમાર વરસાદ વરસતા ઉપલેટા પંથકમાં ફરી એક જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક ભેંસ તણાઈ હોવાની ઘટના સામે આવતા પશુપાલકોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ગઇકાલે 167 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ગઇકાલે 167 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના તલોદ અને ઈડરમાં સાડાપાંચ ઈંચથી વધુ, લુણાવાડા અને વીરપરમાં પણ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠમાં ખેતરો બેટમાં ફેરવાયાં હતાં તેમજ માણસાનું આખું ઈટાદરા ગામ બેટમાં ફેરવાયું હતું. આ ઉપરાંત બાગાવાસમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જૂનાગઢમાં 6 પશુનાં મોત થયાં હતા. ઓજત નદીના પાણીએ સમગ્ર ઘેડ પંથકને ધમરોળ્યું હતું. તો બનાસકાંઠાના કાકરેજમાં તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત થયા હતા.

ડૂબી જતાં પાંચ બાળકોના મોત
ગઇકાલે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા તલોદ પંથકમાં 12 કલાકમાં પોણા 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે નદી, નાળા, તળાવો છલકાયા હતા. ત્યારે ગોરઠીયા ડેમમાંથી 8000 ક્યુસેક પાણી છોડવામાં આવતા મોહનપુરા, કઠવાડા સહિતના ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા હતા. તો બનાસકાંઠાના કાકરેજના ફતેપુરા પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યર્થીઓનું ડૂબવાથી મોત થયાની ઘટના સામે આવી હતી. શાળાએથી પરત ઘરે જઇ રહેલા બે સગા ભાઇ સહિત ત્રણ વિદ્યાર્થીઓ તળાવમાં ન્હવા પડ્યા હતા. ત્યારે ડૂબી જતાં ત્રણેયના મોત થયા હતા. તો દાંતાના રંગપુર પાસે નદીમાં પિતા-પુત્ર તણાયા હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે મહીસાગરમાં પણ નાહવા પડેલા એક જ ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા.

ખેરાલુમાં ધોધમાર વરસાદ, 15થી વધુ ગામ સંપર્ક વિહોણા
મહેસાણાના ખેરાલુમાં ગઇકાલે માત્ર 3 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ખેરાલુ શહેરના તમામ માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. ખેરાલુ પથંકના 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ખેરાલુ પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ખેડૂતો પણ બેટમાં ફેરવાયા હતા. જેને પગલે કપાસ અને મગફળીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

ઓજત નદીના પાણીએ ઘેડ પંથકમાં તારાજી સર્જી
સોમવારે જૂનાગઢ જિલ્લામાં અવિરાત વરસાદ વરસ્યો હતો. જેને લઇને ઘેડ પંથકની પરિસ્થિતિ ખૂબ કપરી બની હતૂ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓજત નદીએ સમગ્ર ઘેડ પંથકને ધમરોળ્યું હતું. માંગરોળ તાલુકાના ઓસાઘેડ, પાદરડી, બગસરા, બાલાગામ સહિતના ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયા હતા. જેથી JCBની મદદથી લોકોની જિંદગી બચાવવામાં આવી હતી. બીજી તરફ માણાવદર તાલુકાનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું હતું ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઉબેણ અને ઓજત નદીના પાણી મટીયાણા ગામમાં ઘૂસ્યા હતા.

ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો
સાબરકાંઠા જિલ્લામાં પણ ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તલોદ અને ઈડરમાં ભારે મેઘમહેર થઈ હતી. ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 59 તાલુકામાં એકથી લઈ પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.


Spread the love

Related posts

9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા:સ્નાન અને દાનની સાથે સાથે મૌન વ્રત રાખવાનો પણ દિવસ છે, પુરાણોમાં તેને અખૂટ પુણ્ય આપવાની તિથિ કહેવામાં આવી છે

Team News Updates

આજે મંગળવાર અને ચોથનો અનોખો સંયોગ, તિલકુંડ ચતુર્થી અને કુંભ સંક્રાંતિએ સૂર્ય ભગવાનને ગોળનું દાન કરો

Team News Updates

RAJKOTથી પોલીસ કમિશ્નર તો ગયા, પરંતુ પોતાના અંગત વહીવટદારને સાથે લઇ જવાનું ભુલી ગયા??

Team News Updates