દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા પુનઃ મહેરબાન થતાં બે દિવસમાં દાહોદમાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. આજે વહેલી સવારથી વીજળીના કડાકા, ધડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં દાહોદ શહેર નજીક આવેલા ચૌસાલા ગામે પૌરાણિક કેદારનાથ મહાદેવનો ધોધ શરુ થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
દાહોદ જીલ્લામા મેઘમહેર થતા ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે ત્યારે દાહોદ નજીક આવેલા ચોસાલા ગામે આવેલા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે આવેલો કુદરતી ધોધ શરુ થતા આર્કષણ જમાવી રહયો છે. દાહોદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાવત્રિક વરસાદના કારણે નદી નાળા કોતરો છલકાઈ ગયા છે. ત્યારે દાહોદ નજીક આવેલા ચોસાલા ગામ ખાતે આવેલું પૌરાણિક કેદારનાથ મહાદેવના મંદિરે ઉપરથી પડતો ધોધ સોહામણો લાગી રહયો છે. આ ધોધને નિહાળવા તેમજ કેદારનાથ મહાદેવના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં. કેદારનાથના મહાદેવ મંદિર ખાતે ચોમાસાની ઋતુ બાદ પણ ચોવીસ કલાક મંદિરના ઉપરના ભાગે આવેલા પથ્થરોમાંથી કુદરતી રીતે પાણીની ધારાઓ વહેતી રહે છે. પણ ચોમાસામાં આહલાદક નજારો જોવા મળે છે. કેદારનાથના ધોધ જોવા આવેલાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે આજે પ્રથમવાર કેદારનાથ મંદિરના પથ્થરોમાંથી પાણી વહેતા ધોધ શરુ થયો હતો, ધોધ શરુ થતા કુદરતી સૌંદર્યમા વધારો થતા આહલાદક દૃશ્યો સર્જાયા હતા.