બેવરેજીસના લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી, પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પેપ્સી વેચતો હતો! હજારો નંગ પેપ્સી સહિતનો કુલ 2250 લિટરના જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેતી ફૂડ શાખા
રાજકોટ,તા.૨૨: રાજકોટ શહેરમાં કૌભાંડી તત્ત્વો લોકોના આરોગ્ય સાથે જોખમ લેવામાં પણ ખચકાતા હતા. અનેક કિસ્સાઓ બહાર આવ્યા બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સેકરીન ભેળવીને વિવિધ ફ્લેવરના કોલ્ડ્રીંક્સને પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં પેક કરી જેને સાદી ભાષામાં પેપ્સી કહેવાય છે તે રીતે વેચવાનો વેપલો ખુલ્લો પડ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા આજી ડેમ ચોકડી પાસે દીનદયાળ ઔદ્યોગિક વિસ્તારમાં શેરી નં.8 કોર્નર, તુર્કી બાપુની દરગાહ પાછળ આવેલા આબાદ ગૃહ ઉદ્યોગમાં તપાસ હાથ ધરી હતી. સ્થળ પર વિવિધ પ્રકારના કોલ્ડ્રીંક્સ પડ્યા હતા અને ત્યાં પ્લાસ્ટિક પાઉચમાં પેપ્સીનું ઉત્પાદન થતું હોવાનું જણાયું હતું. વધુ તપાસ કરતા જોવા મળ્યું કે, પેઢી પાસે બેવરેજીસના ઉત્પાદનનું લાઇસન્સ હતું પણ તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને નવા માટે અરજી કરી હતી.
બીજી તરફ પેપ્સી બનાવવા માટે તો લાઇસન્સ પણ ન હતું તેમજ સ્થળ પર જે પ્લાસ્ટિક વપરાતું હતું તે ફૂડ ગ્રેડનું ન હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટિક હતું. ઘણા વર્ષો પહેલાં પાણીના પાઉચ વેચાતા હતા તે જ કેટેગરીનું પ્લાસ્ટિક વપરાતું હતું. આ ઉપરાંત આ બધા કોલ્ડ્રીંક્સ અને પેપ્સીમાં ઉત્પાદનની કોઇ તારીખ પણ લગાવેલી ન હતી. સેકરીનનો ઉપયોગ તેમજ ગેરકાયદે ઉત્પાદન થતું હોવાનું સામે આવતા મનપાની ફૂડ શાખાએ અલગ અલગ ફ્લેવરની હજારો નંગ પેપ્સી સહિતનો કુલ 2250 લિટર જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત પેઢીના સંચાલક ઈસ્માઈલ ગફાર લાખાણીને નોટિસ ફટકારવામાં આવી હતી. સ્થળ પરથી ફૂડ શાખાએ સેકરીનના નમૂના ઉપરાંત જીરા મસાલા ફ્લેવર અને પિસ્તા ફ્લેવર્ડ પેપ્સીના નમૂના લઈને તપાસાર્થે લેબમાં મોકલ્યા છે. લેબના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પ્લાસ્ટિકના પાઉચની ‘પેપ્સી’નો આ જથ્થો સ્થળ પરથી મળી આવ્યો
{ બ્લૂ બેરી ફ્લેવર(40 એમએલ) 4800 નંગ
{ પિસ્તા ફ્લેવર(40 એમએલ) 1500 નંગ
{ મેંગો ફ્લેવર(40 એમએલ) 7200 નંગ
{ ઓરેન્જ ફ્લેવર(40 એમએલ) 7200 નંગ
{ ગુલાબ ફ્લેવર(40 એમએલ) 4560 નંગ
{ કાચી કેરી ફ્લેવર(40 એમએલ) 4560 નંગ
{ કાલા ખટ્ટા ફ્લેવર(40 એમએલ) 3840 નંગ
{ લિમ્કા ફ્લેવર(40 એમએલ) 4800 નંગ
{ જીરા મસાલા ફ્લેવર(40 એમએલ) 5280 નંગ
{ મેંગો ફ્લેવર (75 એમએલ) 2250 નંગ
{ ઓરેન્જ ફ્લેવર(75 એમએલ) 1000 નંગ
{ જીરા મસાલા ફ્લેવર(75 એમએલ) 2750 નંગ