ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહ્યો છે, હાલમાં મધ્ય ગુજરાતના ભાગોમાં એટલે કે અમદાવાદ, ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે, ત્યારે આગામી 48 કલાક હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે. હજુ પણ આગામી બે દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ, પાટનગર ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
બે દિવસ બાદ એટલે કે 11થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની શક્યતાઓ છે, જેમાં 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ રહેશે. 13 મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, ત્યારબાદ અમદાવાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહ્યું હતું. આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સાથે સૌથી વધુ નોંધાશે. હાલમાં રાજસ્થાન ઉપર બે, મધ્યપ્રદેશ પર એક અને અરબ સાગર ઉપર હાલમાં સિસ્ટમ સક્રિય થઈ છે.