હાલમાં ચાલી રહેલી IPLની મેચો દરમિયાન અમદાવાદમાંથી અનેક સટ્ટાખોર પોલીસના હાથે પકડાયા છે. એટલું જ નહીં મોદી સ્ટેડિયમની પ્રેસિડેન્ટ ગેલેરીમાં બેસીને લાઈવ મેચનો સટ્ટો રમતા લોકો પણ પકડાયાં છે. ત્યારે શહેરમાંથી વધુ બે સટોડિયા IPLની મેચોનો સટ્ટો રમતાં પકડાયા છે. પોલીસે તેમના મોબાઈલ ફોન કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, સોલા ઓરમ સ્કાય, પંચમથાળ હોટલની સામે જાહેર રોડ ઉપર બે શખસ ક્રિકેટ મેચનો સટ્ટો રમે છે. આ બાતમીને આધારે પોલીસે રેડ કરીને બન્ને શખસને કોર્ડન કરી રોકી લીધા હતાં. તેમના નામ ઠામ પૂછતા સાર્થક ભાવેશકુમાર સોની અને નમન દુધાણી હોવાનું જણાવ્યું હતું.
બન્ને હાથમાં રહેલ મોબાઈલ ફોન ચેક કરતા ગુગલ ક્રોમમાં IPLની મેચનો લાઇવ સ્કોર ચાલુ હોવાનું જણાયું હતું. ઇસમની પૂછપરછ કરતા પોતે આ મો-ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમે છે, તેમજ પૈસાની હારજીતનો પાછળથી હવાલાથી આપ-લે કરે છે. પોલીસે ઓનલાઈન સટ્ટો રમતાનો સ્ક્રીન શોટ લઈ લીધો હતો. તે ઉપરાંત નમન દુધાણી પકડાયેલ મિત્રના ફોનમાં તેના આઇ.ડી-પાસવર્ડથી બન્ને જોડે ક્રિકેટ સટ્ટો રમી રહેલા હતા. પૈસાની હારજીતનો પાછળથી હવાલાથી આપ-લે કરતા હતાં. પોલીસે બંને જણાના મોબાઈલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.