સુરતમાં ચોમાસાની સિઝનના આરંભ પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકા કમિશનર ખાડી, વરસાદી જાળીયાની સફાઈની ચકાસણી કરવા, પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવા રોડ પર ઉતર્યા છે. પાલિકા કમિશનર દ્વારા સમિક્ષાનો દોર ચાલી રહ્યો હોવાથી ઝોન અને અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે. જોકે પુણા વિસ્તારમાં આવેલી ખાડીમાં સાફ-સફાઈ અંગેની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું નથી. જેને લઈને સ્થાનિકોમાં તો રોષ છે જ પરંતુ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાલિકા કમિશનરને અહીં ખાડી જોવા માટે આમંત્રણ આપ્યું છે.
કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે. પાલિકા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાડીઓનું ડ્રેજિંગ કરવામાં આવશે. તો પાલિકા કમિશનરને આમંત્રણ આપું છું કે, પુણાની ખાડીને ડેવલપ કરવાની વાત હતી તે તો તમે કરી શકતા નથી. પણ વર્તમાન ખાડીની જે પરિસ્થિતી છે અને ચોમાસુ આવી રહ્યું છે, ત્યારે ખાડીની હાલત ખૂબ દયનિય છે. ચોમાસામાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગ પણ થતા હોય છે તો તેની દહેશત પણ રહેલી છે.
વધુમાં જણાવ્યું હતું કે, ખાડીમાં તાત્કાલિક ડ્રેજિંગ કરવામાં આવે. અહીંના વિસ્તારમાં ડ્રેનેજની જે સમસ્યાઓ છે. તેને પણ ચોમાસા પહેલા હલ કરવામાં આવે. પાલિકા કમિશનરને ખાડીની મુલાકાત લેવા આમંત્રણ આપું છું અને તાત્કાલિક આ ખાડીનું ડ્રેજિંગ કરવામાં આવે. જેથી ખાડીની જે પરિસ્થિતિ છે જોતા ચોમાસામાં વધારે વરસાદ આવે તો ખાડીમાં જે કચરો જામેલો છે. તેના કારણે ગટરીયા અને ખાડી પૂર આવવાની ભય સેવાઈ રહ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ ખાડીમાં પાણી વધવાના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જાન માલને પણ નુકસાન થયું છે, ત્યારે આ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પાલિકા કમિશનરને રજૂઆત છે કે આ ખાડીનું તાત્કાલિક ડ્રેજિંગ કરવામાં આવે. ચોમાસાને પણ હવે વધુ સમય રહ્યો નથી તો તે પહેલા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી જોઈએ.