ખંભાળિયાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગતરાત્રિના સમયે એક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેને અનુલક્ષીને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી.
આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં આવેલા ફોતરીના એક કારખાનામાં રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે આગના ધુમાડા જોવા મળ્યા હતા. કારખાનાના ઉપરના ભાગેથી નીકળેલા ધુમાડાના ગોટેગોટા સંદર્ભે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આના અનુસંધાને ફાયર વિભાગ જવાનો ફાયર ફાઈટર સાથે તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને અવિરત રીતે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
આ બનાવ બનતા પોલીસ સ્ટાફ તેમજ પી.જી.વી.સી.એલ.ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમયસર આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાતા સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રિના સમયે કારખાનું બંધ હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.