મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની લાઇનઅપમાં સામેલ 9 મોડલની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. તેમાં Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, DZire, Baleno, Forex અને Ignisનો સમાવેશ થાય છે. ભારતની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ 1 જૂને તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
કંપનીએ કહ્યું કે 9 મોડલના ઓટો ગિયર શિફ્ટ (AGS) વેરિયન્ટની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવી કિંમતો 1 જૂન, 2024થી અમલમાં આવી છે. કંપનીએ હજુ સુધી વાહનોની કિંમતો ઘટાડવાના કારણો વિશે માહિતી આપી નથી. જોકે, કંપની તેના AGS વેરિયન્ટને વધુ સસ્તું બનાવીને વેચાણ વધારવા માગે છે.
અગાઉ, કંપનીએ એપ્રિલ-2024માં સ્વિફ્ટ અને ગ્રાન્ડ વિટારાના પસંદગીના વેરિયન્ટની કિંમતોમાં વધારો કર્યો હતો. સ્વિફ્ટની કિંમતોમાં રૂ. 25,000 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ગ્રાન્ડ વિટારાના સિગ્મા વેરિયન્ટની કિંમતમાં રૂ. 19,000નો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ, કંપનીએ જાન્યુઆરી 2024માં તેના તમામ મોડલની કિંમતોમાં 0.45%નો વધારો કર્યો હતો. કંપનીએ આનું કારણ ફુગાવાના દબાણ અને વધેલા ઈનપુટ ખર્ચને ગણાવ્યું હતું.
ઓટો ગિયર શિફ્ટ (AGS) એ 2014 માં મારુતિ સુઝુકી દ્વારા રજૂ કરાયેલ ઓટોમેટિક ગિયરશિફ્ટિંગ ટ્રાન્સમિશન ટેકનોલોજી છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંનેના ફાયદા આપે છે.
આ સેલ્ફ-ડ્રાઈવ ટ્રાન્સમિશન ઈન્ટેલિજન્ટ ગિયર શિફ્ટ કંટ્રોલ એક્ટ્યુએટરથી સજ્જ છે, જે ઈલેક્ટ્રોનિક કંટ્રોલર યુનિટથી ઓપરેટ થાય છે.
આ સિસ્ટમ ડ્રાઇવરના કંટ્રોલ વિના ગિયર અને ક્લચને કંટ્રોલ કરે છે. આ ગિયર શિફ્ટને સરળ બનાવે છે.