પાટણ પંથકનાં એક ગામમાં પોતાની સગીર દિકરી પર છેલ્લા સાત વર્ષથી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરનારા અને તા. 12/5/24 થી જયુડિસીયલ કસ્ટડીમાં રહેલા આરોપીની જામીન અરજી પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ સુનિલ એમ ટાકે ફગાવી દીધી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની સગી દિકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી વિરૂધ્ધ સગીર બાળા સાથે જાતિય ગુના સબધોનો ગંભીર પ્રથમ દર્શનિય કેસ જણાઈ આવે છે અને હાલમાં તપાસ ચાલુ છે. જો આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તેના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડે અને સમાજમાં ખોટો સંદેશો જાય તેમ છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે એમ પણ જણાવ્યુ કે, આરોપી તરફે એવો બચાવ લેવામાં આવ્યો છે કે, ભોગ બનનારને અન્ય કોઈ છોકરા સાથે પ્રેમસંબંધ હોવાથી તે બાબતે તેનાં પિતા તેને ઠપકો આપતાં તેમની સામે આ ખોટી ફરિયાદ આપેલ છે, પરંતુ એક સગીર વયની દિકરી પોતાને આપેલા ઠપકા બાબતે પોતાનાં સગા પિતા સામે આવા ગંભીર પ્રકારનાં ખોટા આક્ષેપો કરે તે હકીક્ત કેસ પેપર્સ તેમજ તપાસ કરનાર અધિકારીનું સોગંદનામુ જોતાં આ તબકકે માની શકાય નહિં. આરોપીની આ કેસમાં સીધી અને સ્પષ્ટ સંડોવણી બહાર આવેલી છે.
આ કેસની વિગતો એવી છે, પાટણ નજીકનાં એક ગામની 16 વર્ષથી નાની વયની એક સગીર દિકરી સાથે તેનાં પિતાએ 2017 થી 2024 દરમિયાન તેની સાથે અવારનવાર ધમકીઓ આપીને દુષ્કર્મ કર્યાનો આરોપ કરતી ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપીની ધરપકડ થતાં તેણે મુકેલી જામીન અરજી પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે ફગાવી દીધી હતી. આ કેસમાં સરકારી વકીલે રજૂઆતો કરી હતી.