ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતો ઘી ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયો છે અને પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ચૂક્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ નવા પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે હેતુથી નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાણીને ફિલ્ટર કરી અને ક્લોરીનેશનની સધન કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે નગરપાલિકા વોટર વકર્સ વિભાગના વડા એન.આર. નંદાણીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા દિવસોમાં ઘી ડેમમાં નવા પાણીની થયેલી વિપુલ આવકના પગલે ઘી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વિતરણ કરાતા પાણીમાં ડહોળાસ ઓછી કરવા તેમજ સૂક્ષ્મજીવ જંતુઓનો નાશ થાય તે હેતુથી કાર્યરત ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરવાની સાથે ક્લોરીનેશન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસો થયા શહેરમાં વર્તમાન માહોલના લીધે વાયરલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પાણી દ્વારા રોગચાળો ન વકરે તે હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.