ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનનો તાનાશાહી ચહેરો ફરી સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં પૂરને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ 30 સરકારી અધિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. કેટલાક વધુ અધિકારીઓને મૃત્યુદંડનો આદેશ આપવામાં આવ્યો છે. ઉત્તર કોરિયામાં પૂરના કારણે અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત થયા છે. ચાંગંગ પ્રાંતમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સૌથી વધુ મોત થયા છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર કોરિયાની સરકારે એવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે કે જેઓ મૃત્યુઆંકને રોકવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ છે. ઉત્તર કોરિયાના એક અધિકારી કહ્યું કે જવાબદારોને સખત સજાનો સામનો કરવો પડશે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગયા મહિનાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારના 20 થી 30 અધિકારીઓ એકસાથે માર્યા ગયા હતા.
ઉત્તર કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ અહેવાલ આપ્યો છે કે કિમ જોંગ ઉને જુલાઈમાં ચીનની સરહદ નજીકના ચાગાંગ પ્રાંતમાં વિનાશક પૂર પછી અધિકારીઓને સખત સજા કરવાનો આદેશ આપ્યો હતો. KCNA અનુસાર, સિનુઇજુમાં આયોજિત કટોકટી પોલિટબ્યુરોની બેઠકમાં, કિમ જોંગ ઉને તેના અધિકારીઓને કહ્યું કે જેઓ આપત્તિ વ્યવસ્થાપન માટે તેમની જવાબદારીઓની અવગણના કરે છે તેમને સખત સજા કરો.
જુલાઈમાં, ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં ગંભીર પૂરને કારણે હજારો રહેવાસીઓ બેઘર થયા અને ઘણા લોકો માર્યા ગયા. દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, પૂરથી મૃત્યુઆંક 1,000ને વટાવી શકે છે.