મણિપુરમાં બુધવારે આદિવાસીઓના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી રાજ્યના 8 જિલ્લામાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સેના અને આસામ રાઈફલ્સ તૈનાત કરવામાં આવી છે. 7 હજાર 500 લોકોને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે.
ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ સાથે ફોન પર વાત કરી અને સ્થિતિ વિશે પૂછ્યું હતું. બિરેન સિંહે આજે સવારે એક વીડિયો સંદેશ જારી કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.
અખિલ ભારતીય આદિવાસી વિદ્યાર્થી સંઘે બુધવારે આદિવાસી એકતા માર્ચનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન, આદિવાસી અને બિન-આદિવાસી સમાજવચ્ચે અથડામણ થઈ હતી. આદિવાસી સમાજ બિન-આદિવાસી મૈતેઈ સમાજને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગ સામે વિરોધ કરી રહ્યો હતો.
મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમાજની માંગ પર વિચાર કરવા અને 4 મહિનામાં કેન્દ્રને ભલામણો મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ પછી આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી છે.
બોક્સર મેરીકોમે શેર કરી તસવીરો, લખ્યું- મારું રાજ્ય ભડકે બળી રહ્યું છે
મહિલા બોક્સિંગમાં ભારત માટે ઓલિમ્પિક બ્રોન્ઝ જીતનાર મેરીકોમે હિંસાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જોકે તેણે આ તસવીરો ક્યારે અને ક્યાં લેવામાં આવી તેનો ઉલ્લેખ કર્યો નથી. તેણે લખ્યું- મારું રાજ્ય ભડકે બળી રહ્યું છે. મેરી કોમે કહ્યું કે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંસામાં કેટલાક લોકોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
પોલીસે હિંસા રોકવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા
પોલીસે જણાવ્યું કે આદિવાસી માર્ચમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના અનેક રાઉન્ડ પણ છોડ્યા, પરંતુ હિંસા અટકી નહોતી. આ પછી સેના અને આસામ રાઈફલ્સને બોલાવવામાં આવી હતી. રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ થૌબલ, જીરીબામ, બિષ્ણુપુર, ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રેપિડ એક્શન ફોર્સ (RAF)ની પાંચ કંપનીઓને રાજધાની ઇમ્ફાલ મોકલવામાં આવી છે. મણિપુરમાં CRPFની લગભગ 15 કંપનીઓ પહેલેથી જ હાજર છે. વધારાની ફોર્સ પણ એલર્ટ રાખવામાં આવી છે.
મણિપુરમાં 53%થી વધુ મેતેઈ, 10 વર્ષથી STનો દરજ્જો મેળવવાની માંગ
મુખ્યમંત્રી બિરેનસિંહે કહ્યું કે હિંસાનું કારણ બે સમાજ વચ્ચેની ગેરસમજ છે. લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદો લોકોની સલાહ દ્વારા યોગ્ય રીતે ઉકેલવામાં આવશે. શાંતી જાળવી રાખો
મૈતેઈ એક બિન-આદિવાસી સમાજ છે. તે મણિપુરની વસ્તીના 53% હિસ્સો ધરાવે છે. મુખ્યત્વે આ સમુદાયના લોકો મણિપુર ઘાટીમાં રહે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી તેમના સમાજને STનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે મ્યાનમાર અને બાંગ્લાદેશના લોકો મોટા પાયે રાજ્યમાં પ્રવેશ્યા છે અને તેના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલના કાયદા મુજબ, મૈતેઇ સમુદાયને રાજ્યના પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થવાની મંજૂરી નથી.
તમે પણ વાંચી શકો છો હિંસા સંબંધિત આ સમાચાર…
મણિપુરના CMના કાર્યક્રમ પહેલા આગચંપી-તોડફોડ, પોલીસે કલમ 144 લાગુ કરી; ઇન્ટરનેટ બંધ
મણિપુરના ચુરાચાંદપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના એક દિવસ પહેલા વિરોધીઓએ સભા સ્થળે તોડફોડ કરી અને આગ ચાંપી હતી. ખરેખરમાં, મુખ્યમંત્રી એન બિરેન સિંહ ચુરાચંદપુર જિલ્લાના ન્યૂ લમકા વિસ્તારમાં એક જિમ અને રમતગમતની સુવિધાનું ઉદ્ઘાટન કરવાના હતા.
મણિપુરમાં કલમ 144 લાગુ હોવા છતાં, પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા, વાહનોને આગ ચાંપી
મણિપુરના ચુરાચાંદપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. કલમ 144 હોવા છતાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. સીએમ બિરેન સિંહના કાર્યક્રમ પહેલા થયેલી તોડફોડ અને આગચંપી બાદ આ હિંસા થઈ હતી.