સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની 20 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે 9મા દિવસે સુનાવણી ચાલી રહી છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની બંધારણીય બેંચ આ મામલે દલીલો સાંભળી રહી છે.
9મી સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી જણાવ્યું કે રાજ્યોને પત્ર લખવામાં આવ્યા છે. મણિપુર, એપી, યુપી, મહારાષ્ટ્ર, આસામ, સિક્કિમ અને રાજસ્થાનમાંથી પ્રતિસાદ મળ્યા હતા. રાજસ્થાન તેની વિરુદ્ધ છે. બાકીના રાજ્યોનું કહેવું છે કે આ અંગે ચર્ચાની જરૂર છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR): કમિશને બુધવારે બાળકોનો મુદ્દો કોર્ટ સમક્ષ મૂક્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે જન્મ લેવો અને બાયોલોજિકલ પેરેન્ટ્સ દ્વારા ઉછેર એ બાળકનો અધિકાર છે. બધા બાળકો સ્ત્રી-પુરુષ દંપતી દ્વારા જ જન્મે છે. આ બાળકનો સૌથી મોટો અધિકાર છે. તેથી જ આપણા કાયદામાં ફક્ત તે જ યુગલોને, જેઓ પુરુષ અને સ્ત્રી હોય, તેમને બાળક દત્તક લેવાનો અધિકાર છે.
CJI ચંદ્રચુડ– કાયદો કહે છે કે બાળકને ઘણા કારણોસર દત્તક લઈ શકાય છે. તમે ત્યારે પણ બાળકને દત્તક લઈ શકો છો, જ્યારે તમા બાયોલોજિકલ બર્થ માટે યોગ્ય હોવ. જો બાળકની માતાનું અવસાન થાય છે, તો પિતા માતા અને પિતા બંનેની સંભાળ રાખે છે. મારો પ્રશ્ન એ છે કે જો લોકો લિવ-ઈન રિલેશનશિપમાં હોય તો શું તેમની પાસેથી દત્તક લેવાનો અધિકાર છીનવી લેવો જોઈએ?
ASG ભાટી– બાળકને માતા અને પિતા બંનેની જરૂર હોય છે. આ કિસ્સામાં, સ્ત્રી-પુરુષ યુગલો અને સમલિંગી યુગલોને અલગ રીતે વર્તવું યોગ્ય છે. બાળકનો જન્મ એ આદર્શ પરિસ્થિતિ છે અને દત્તક એ એવા પુરુષ-સ્ત્રી યુગલો માટે છે જેમની પાસે આ વિકલ્પ નથી.
CJI ચંદ્રચુડ :- લિવ-ઇન કપલ બાળકને દંપતી તરીકે દત્તક ન લઈ શકે પરંતુ દત્તક લેવાના વ્યક્તિના અધિકારને વૈવાહિક સ્થિતિથી અસર થતી નથી. જો કોઈ દંપતી બાળકને દત્તક લેવા ઈચ્છે છે, તો કાયદો કહે છે કે જો તમે ઓપોઝિટ જેન્ડર હોવ તો તમે દત્તક લઈ શકો છો.
પરંતુ એક વ્યક્તિ પણ બાળકને દત્તક લઈ શકે છે. આ અધિકાર પર આ વાતનો પ્રભાવ નથી પડતો કે વ્યક્તિ હેટ્રો સેક્શ્યુઅલ છે કે પછી સેમ સેક્સ પર્સન. સેન્ટર એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનું સ્ટેટમેન્ટ આ જ કહે છે.
એડોપ્શન પર બાળ સુરક્ષા આયોગ અને બેન્ચ વચ્ચે લાંબી ચર્ચા થઈ
ઐશ્વર્યા ભાટી: એકલો પુરૂષ છોકરીને દત્તક લઈ શકતો નથી. આ રીતે કાયદો બનેલો છે. 30 હજાર યુગલોએ બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવી છે અને અમારી પાસે દત્તક માટે 1500 બાળકો છે.
ચીફ જસ્ટિસ ચંદ્રચુડઃ શું આખા દેશમાં માત્ર 1500 બાળકો જ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે?
ઐશ્વર્યા ભાટી: હા, આ પૂલમાં 1500 બાળકો છે. આ બધી સિસ્ટમ જનરેટ છે, તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નથી.
જસ્ટિસ કોહલીઃ અરજી કર્યા બાદ દંપતીને બાળક ક્યારે મળે છે?
જસ્ટિસ ભટઃ જે વ્યક્તિ 18 વર્ષની થઈ જાય અને છતાં તેને કોઈ દત્તક લેતું નથી તેનું શું થાય છે? શું એ ચિંતાનો વિષય નથી કે 30 હજાર યુગલોએ દત્તક લેવા માટે અરજી કરી છે અને આપણી પાસે આવા માત્ર 1500 બાળકો છે?
ઐશ્વર્યા ભાટીઃ દત્તક લેવું એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. આ રીતે બાળકને મુક્ત કરવાની કાનૂની પ્રક્રિયા ખૂબ મોટી છે.
8માં દિવસની સુનાવણી..
આ પહેલા મંગળવારે આ મામલે આઠમા દિવસે સુનાવણી થઈ હતી. આ દરમિયાન જસ્ટિસ રવિન્દ્રએ કહ્યું હતું કે ભારતનું બંધારણ જૂની પરંપરાઓને તોડતું આવ્યું છે. તેમણે કહ્યું કે બંધારણે જાતિ વ્યવસ્થા તોડી, અસ્પૃશ્યતા જેવી બાબતોને નાબૂદ કરી. દુનિયાના કોઈ બંધારણે આવું કર્યું નથી.