પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની 9 મેના રોજ બપોરે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં NABના આદેશ પર પાકિસ્તાની રેન્જર્સે આ ધરપકડ કરી હતી. પાકિસ્તાનના અખબાર ‘ધ ડોન’ અનુસાર, અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ 50 અબજ રૂપિયાથી વધુનું છે અને ઈમરાન, પત્ની બુશરા બીબી અને બુશરાના મિત્ર ફરાહ ગોગીએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો.
ધરપકડ પહેલા ઈમરાન 2 કેસમાં જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો. ધરપકડ બાદ પીટીઆઈના કાર્યકરોએ દેશભરમાં દેખાવો શરૂ કર્યા હતા. પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ અનુસાર – હિંસાને જોતા સમગ્ર પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. ઈસ્લામાબાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્ત્વના શહેરોમાં અર્ધલશ્કરી દળના રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, ઈમરાનની કાનૂની ટીમને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નથી. ઈમરાનના કેસની સુનાવણી માટે ઈસ્લામાબાદમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે એક વિશેષ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. સુનાવણી શરૂ થાય તે પહેલા અહીં સેના તૈનાત કરવામાં આવી હતી. પોલીસ લાઈનમાં બેરિકેડીંગ કરવામાં આવ્યું છે. NAB એ કોર્ટ પાસે ઈમરાનના 14 દિવસના રિમાન્ડની માગણી કરી છે.