સુરત જિલ્લાના દેલાસા ગામના પરિણીત કૌટુંબિક મામાએ ભાણેજને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં 3 વર્ષથી પ્રેમિકાને ભગાડી લઈ જઈને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખી તેનું શારીરિક શોષણ કરતો હતો. પ્રેમી મામાના ત્રાસથી બચવા ભાણેજ દેલાસા ગામે ચાલી આવી હતી. અંતે તેણે હેવાનિયતની હદ પાર કરી ભાણેજને માર મારવા સાથે તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખતાં હાલત નાજુક થતાં સુરત સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ હતી. પ્રેમી પ્રેમિકાને ઢસડીને લઈ જતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.
પરિણીત હોવા છતાં કૌટુંબિકી ભાણેજને ફસાવી
દેલાસા ગામે રહેતો અને લૂમ્સના કારખાનામાં સુપરવાઈઝર તરીકે કામ કરતો નિકુંજ અમરત પટેલ પ્રેમલગ્ન કરી પત્ની સાથે દેલાસા ગામે રહે છે. ત્યારે પરિણીત હોવા છતાં નિકુંજે મોહિની (નામ બદલ્યું છે) કે જે તેની કૌટુંબિકી ભાણેજ થતી હોય દેલાસા ગામે મામાના ઘરે આવતા તેને પ્રેમજાળમાં ફ્સાવી હતી.
ભાણેજને જ ત્રણ વર્ષ પહેલાં ભગાડી ગયો
નિકુંજ પરિણીત હોવા છતાં મોહિનીને પોતાની સાથે રાખવાના ઇરાદે ગત ત્રણ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં ભગાડીને લઈ ગયો હતો. ત્યારે મોહિની ગુમ થતાં તેના પરિવારજનોએ શોધખોળ કરવા છતાં મળી ન આવતા તેની ગુમ થવા બાબતની શહેરના રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
શારીરિક શોષણ કરવા સાથે ત્રાસ ગુજારતો
નિકુંજ પટેલે મોહિનીના સંબંધમાં કૌટુંબિક મામા થતાં હોવાનું જાણવા છતાં તેણીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી લઈ ગયો હતો. ત્યારબાદ પરિજનોએ પોલીસ ફરિયાદ કરતાં તે જુદી-જુદી જગ્યા પર લઈ જઈને રાખવા સાથે તેનું શારીરિક શોષણ કરવા સાથે ત્રાસ ગુજારતો હતો. નિકુંજના ત્રાસથી બચવા મોહિની ચાર દિવસ પહેલા દેલાસા ગામ ભાગીને પરત આવી ગઈ હતી.
તબિયત લથડતા સારવાર માટે સુરત સિવિલ ખસેડાઇ
મોહિની ભાગી આવતા નિકુંજ તે વાતને લઈને મોહિનીને માર મારવા સાથે તેના ગુપ્તાંગમાં મરચાની ભૂકી નાખી ઇજા પહોંચાડી હતી. હેવાનિયતની હદ વટાવી જતાં તબિયત લથડતા સારવાર માટે સિવિલ લઈ ગયા બાદ ઓલપાડ પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે હાલ નિકુંજને ઝડપી પાડયો છે.
વાયર અને બેલ્ટથી પણ ફટકારતો હતો
પીડિતાએ જણાવ્યું હતું કે, નિકુંજ પરણીત હોવા છતાં તેણે છુપાવ્યું હતું. છેલ્લા પાંચ મહિનાથી મારા પર ત્રાસ ગુજરી રહ્યો છે. જેમાં વાયરથી, બેલ્ટથી ફટકારી છે અને ગુપ્તાંગના ભાગે મરચાની ભૂકી નાખી છે. હું પરત ઘરે જવાની વાત કરું તો મારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપે છે. હવે મારે મારા પરિવાર સાથે જ રહેવું છે.