માર્ચ 2019માં કેનેડાના બ્રુકફિલ્ડે દિલ્હી, બેંગલુરુ, ઉદયપુર અને ચેન્નાઈમાં લીલા પેલેસેસની 4 પ્રોપર્ટી JM ફાયનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પાસેથી રૂપિયા 3,950 કરોડમાં ખરીદી હતી. લીલા મુંબઈને IPOમાં સામેલ કરવામાં આવશે નહીં. તે પહેલાથી જ હોટેલ લીલાવેન્ચર્સ લિમિટેડ (HLV) તરીકે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.
શ્લોસ બેંગ્લોરે લક્ઝરી હોટેલ ચેઈન લીલા પેલેસેસ, હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના રૂપિયા 5,000 કરોડના IPO માટે કેપિટલ માર્કેટના રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા છે. શ્લોસ બેંગ્લોર લીલા બ્રાન્ડ હેઠળ મહેલો, હોટલ અને રિસોર્ટનું સંચાલન કરે છે. આ સાઈઝ સાથે તે દેશના હોટેલ ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.
લીલા પેલેસેસની શરૂઆત વર્ષ 1986માં સીપી કૃષ્ણન નાયર દ્વારા કરવામાં આવી હતી. હાલમાં તે બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટની માલિકી ધરાવે છે, જે એક રોકાણ રિયલ એસ્ટેટ ફંડ છે. નવી દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, ઉદયપુર, જયપુર, ગુરુગ્રામ, મુંબઈ સહિત દેશમાં 12 સ્થળોએ પેલેસ, હોટલ અને રિસોર્ટની લીલા બ્રાન્ડ આવેલી છે. આ 12 હોટેલોમાંથી, 5 કંપનીની માલિકીની હોટેલ્સ છે, 6 હોટેલ મેનેજમેન્ટ કરારો દ્વારા સંચાલિત થાય છે અને 1 હોટેલ ફ્રેન્ચાઇઝ વ્યવસ્થા હેઠળ ત્રીજા પક્ષની માલિકીની અને સંચાલિત છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અનુસાર IPOમાં રૂપિયા 3000 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે. તેમજ 2000 કરોડની કિંમતની ઓફર ફોર સેલ પણ હશે. પ્રમોટર પ્રોજેક્ટ બેલે બેંગલોર હોલ્ડિંગ્સ (DIFC) OFS માં શેર વેચશે. લીલા પેલેસિસ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતાં પહેલાં પ્રી-આઈપીઓ ફંડિંગ રાઉન્ડમાં રૂપિયા 600 કરોડ એકત્ર કરી શકે છે.
કંપની તેના અને તેની પેટાકંપનીઓનું દેવું ચૂકવવા માટે IPOમાં નવા શેર જાહેર કરીને એકત્ર કરાયેલા રૂપિયા 2700 કરોડનો ઉપયોગ કરશે. લીલા પેલેસેસ પર મે 2024 ના અંત સુધીમાં રૂપિયા 4,052.5 કરોડનું કંસોલિડેટેડ દેવું હતું. બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
11 ઇન્વેસ્ટમેન્ટ બેન્કો શેર વેચાણનું સંચાલન કરશે : કોટક મહિન્દ્રા કેપિટલ, જેએમ ફાઇનાન્શિયલ, બોફા સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, એક્સિસ કેપિટલ, સિટી, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ, આઇઆઇએફએલ કેપિટલ, મોતીલાલ ઓસ્વાલ અને એસબીઆઇ કેપ્સ સહિત 11 ઇન્વેસ્ટમેન્ટ બેન્કો શેર વેચાણને મેનેજ કરશે. ઈશ્યૂ માટે કેફિન ટેક્નોલોઝિઝ રજિસ્ટ્રાર છે.