ગુજરાત સરકારે ક્લાસ-3ની ભરતીમાં મોટો ફેરફાર કર્યો છે. જેમાં ક્લાસ-3માં બે ભાગ પાડવામાં આવ્યા છે. જેમાં અપર ક્લાસ-3માં પ્રાથમિકની સાથે મેઇન્સ પરીક્ષા લેવાશે. જ્યારે લોવર ક્લાસ-3માં પ્રાથમિક પરીક્ષા જ લેવાશે, પણ મેઇન્સ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બન્ને ભાગમાં GPSC લેવલના MCQ પ્રશ્નો પૂછવામાં આવશે. આ સાથે જ કોઈ પણ ક્લાસ-3ની પરીક્ષામાં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં. સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
પહેલા OMR પદ્ધતિથી પરીક્ષા લેવાતી
અત્યાર સુધીમાં બોર્ડ દ્વારા ખાસ કરીને પરીક્ષામાં ડાયરેક્ટ ઉમેદવારને ભરતી આપવામાં આવતી હતી કે સિલેક્શન આપવામાં આવતું હતું. બોર્ડ દ્વારા OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી. ત્યારબાદ મેરીટ જાહેર થતું હતું અને પછી ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવતા હતા. હવે આ બધી જ પ્રોસેસ બાદ કરવામાં આવી છે અને નવા નિયમ લાદવામાં આવ્યા છે. નવા નિયમમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ક્લાસ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે.
અપર ક્લાસ-3ની પરીક્ષા કઈ રીતે લેવાશે
જો અપર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્કની હશે અને ફક્ત એક કલાક જ સમય મળશે. આ પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 40 માર્ક લેવાના રહેશે. પ્રાથમિક પરીક્ષામાં રિજનિંગ અને ગણિતના 40 માર્ક, એપ્ટીટ્યુડના 30 માર્ક, અંગ્રેજીના 15 માર્ક અને ગુજરાતીના 15 માર્કનો સમાવેશ થશે.
મુખ્ય પરીક્ષામાં GPSCની જેમ 3 પેપર હશે
આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે. જેમાં DYSO અને STI (GPSC જેમ ) 3 પેપર લખવાના રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. પ્રથમ ગુજરાતી ભાષાનું પેપર હશે, જેમાં પત્ર, નિબંધ સહિત 100 માર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજું પેપર અંગ્રેજી હશે, જેમાં પણ 100 માર્કનું લખવાનું રહેશે. જે પણ GPSC લેવલનું હશે. છેલ્લું અને ત્રીજું પેપર GSનું 150 માર્કનું હશે, જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, વિજ્ઞાન-ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.
ફાઈનલ સિલેક્શનમાં મુખ્ય પરીક્ષાના ગુણ જોવાશે
જો લોવર ક્લાસ-3ની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહીં આવે. જેમાં પ્રાથમિક પરીક્ષામાં 200 માર્કનું પેપર આવશે અને તેનો સમય 2 કલાક રહેશે. જેમાં અંગેજીના 20, ગુજરાતીના 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCAના 30 માર્ક, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણના 30 માર્ક, કરંટ અફેર્સના 30 માર્ક અને ગણિત અને રીજનિંગના 40 માર્ક મળી 200 માર્કનું પેપર હશે.