અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. દરિયા કિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે.
દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનથી રાજ્યમાં સંભવતઃ વાવાઝોડાનો ખતરો દર્શાવાય રહ્યો છે, ત્યારે દ્વારકામાં સમુદ્રના પાણીમાં કરન્ટ જોવા મળી રહ્યો છે અને આઠથી દસ ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. જ્યારે ઓખા બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ફીશીંગ બોટો પણ દરીયાકાંઠે લાંગરી દેવાઇ છે.
માંગરોળના દરિયા કિનારે પવનની ગતિમાં વધારો
આ અણધારી આફતને પહોંચી વળવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર અને માંગરોળ તાલુકાના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. માંગરોળ દરિયાકાંઠા વિસ્તારને વાવાઝોડાને લઇ એલર્ટ કરાયો છે અને તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ પર હાજર રહેવા સૂચના કરવામાં આવી છે. બીજી તરફ પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આફત પગલે દરિયાઈ કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માંગરોળ ડિઝાસ્ટર દ્વારા એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને કન્ટ્રોલરૂમ પણ શરૂ કરાયો છે.
ઘોઘા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
વાવાઝોડાને પગલે ભાવનગર, અમરેલી, સુરત સહિતના જિલ્લાઓમાં તા.9 જૂન અને 10 જૂન, શનિવાર અને રવિવાર, બે દિવસ કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સુચના આપવામાં આવી છે. જેના પગલે આજરોજ ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરે બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભાવનગર સહિતના સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં હાલ તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. ભાવનગર જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યો છે.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
વાવાઝોડાને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્રારા અલગ અલગ ટીમો બનવવામાં આવી છે અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે વલસાડ જિલ્લાના તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જો વાવાઝોડાની વધુ અસર વલસાડ જિલ્લામાં વરતાય અને લોકોને જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો તે માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે.
કચ્છનાં બંદરો પર તૈયારીઓ કરાઈ
કચ્છના કંડલા, બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ચક્રવાત ગુજરાતના કાંઠે આવશે કે આગળ ફંટાઈ જશે એ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. કચ્છની પશ્ચિમ છેવાડે આવેલા લખપત નજીકના કોટેશ્વર દરિયા કિનારે પગદડીયા માછીમારોએ પોતાની બોટ સલામત સ્થળે લાંગરી દીધી છે. જો તંત્રની સૂચના મળશે તો હજુ બહાર તરફ બોટ ખસેડી લેવાનું માછીમાર અગ્રણી હનીફભાઇએ જણાવ્યુ હતું.
વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર
મળતી માહિતી મુજબ બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર છે. અત્યારે વાવાઝોડાંની ગતિ ધીમી છે એટલે તે કઈ તરફ જઈ રહ્યું છે કે પછી કઈ તરફ જશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે. ગાંધીનગર હવામાન વિભાગના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર, સાચી ખબર બપોર પછી પડશે કે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મુંબઈ, ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધે તો ગુજરાત માટે આગામી બે દિવસ જોખમી છે અને જો પાકિસ્તાન તરફ ફંટાઈ જાય તો ગુજરાત પરથી ચક્રાવાતનો ખતરો ટળશે પણ 10-11 જૂને વરસાદની સંભાવના તો છે જ. સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
શું કહે છે હવામાન વિભાગ?
જોકે, બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.
બુધવારે દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો
બિપરજોય વાવાઝોડાની અસર બુધવારે દ્વારકાનાદરિયામાં જોવા મળી હતી. ગોમતીઘાટ પર 8થી 10 ફૂટ ઊંચાં મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. એમ છતાં સહેલાણીઓ જોખમી રીતે આનંદ લેતા જોવા મળ્યા હતા. આગાહીના પગલે ઓખા બંદર પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા ઉપરાંત દરિયાકાંઠે 50થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા જણાવાઈ રહી છે.
જામનગરનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
વાવાઝોડાની આગાહીને પગલે જામનગર વહીવટીતંત્ર એલર્ટ બન્યુ છે. જામનગરનાં બંદરો પર બુધવારથી બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને જે માછીમારો પરત ફરી ચૂક્યા છે તેમની બોટને કિનારે લાંગરી દેવામાં આવી છે.
વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
વેરાવળ દરિયાકાંઠા બંદર પર ભય સૂચક સિગ્નલ નંબર એક લગાવાયું હતું. મંગળવારની રાત્રે ભયસૂચક સિગ્નલ નં. 2 લગાવાયું આવ્યું હતું. દરિયો તોફાની બનવાની સંભાવનાને લઈને માછીમારોને દરિયામાં ન ખેડવા જવા તંત્ર દ્વારા સૂચન આપવામા આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે એવી પણ આગાહી કરવામાં આવી છે.
અમરેલીના દરિયાકાંઠાનાં ગામોને એલર્ટ કરાયાં
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર ગઈકાલે 1 નંબરનું સિગ્નલ હતું, જે રાત્રિના સમયે 2 નંબરનું લગાવાયું હતું. માછીમારી કરવા ગયેલા માછીમારો કિનારે પરત ફરતાં હાલ 700 જેટલી બોટને કાંઠા પર સલામત રીતે રાખી દેવામાં આવી છે. માછીમારોને હવે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.