મણિપુરમાં 3 મેથી કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે જાતિય હિંસા ચાલુ છે. આ દરમિયાન શનિવારે રાજ્યના 11 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં IAS અને IPS અધિકારીઓનો સમાવેશ થાય છે.
અગાઉ ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાની શરૂઆતમાં અહીં 4 દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાજ્યના DGP પી ડોંગલને હટાવવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ રાજીવ સિંહને કમાન સોંપવામાં આવી હતી.
મણિપુરમાં 39 દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. 310 ઘાયલ છે અને 37 હજારથી વધુ લોકો 272 રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે.
આ દરમિયાન આસામના CM હિમંત સરમા શનિવારે સવારે મણિપુર પહોંચ્યા હતા. તેઓ રાજ્યના સીએમ એન. બિરેન સિંહને મળ્યા બતા. આ દરમિયાન મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે બેઠકમાં ચર્ચા થઈ હતી.
9 જૂને ફરી હિંસા ફાટી નીકળી, 3 લોકો માર્યા ગયા
9 જૂનના રોજ રાજધાની ઇમ્ફાલ નજીક કુકી બહુલ ખોકેન ગામમાં અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. શુક્રવારે, મણિપુર પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં મણિપુરના ઇમ્ફાલ પૂર્વ, કાકચિંગ, ટેંગ્રોપાલ અને બિષ્ણુપુર જિલ્લામાંથી 57 હથિયારો, 1,588 દારૂગોળો અને 23 બોમ્બ મળી આવ્યા છે. હિંસા બાદ રાજ્યમાં કુલ 953 હથિયારો, 13,351 દારૂગોળો અને 223 બોમ્બ જપ્ત કરવામાં આવ્યા છે.
CBIએ 6 કેસ નોંધ્યા, તપાસ માટે SITની રચના કરી
બીજી તરફ, 9 જૂને જ સીબીઆઈએ મણિપુર હિંસા સંદર્ભે 6 કેસ નોંધ્યા હતા. તપાસ માટે SITની રચના કરવામાં આવી છે, તેમાં 10 સભ્યો છે. તે જ દિવસે, સુપ્રીમ કોર્ટની વેકેશનલ બેન્ચે 3 મેથી રાજ્યમાં ઇન્ટરનેટ પ્રતિબંધ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેંચે કહ્યું કે આ મામલો પહેલેથી જ હાઈકોર્ટમાં છે. આ અંગે સુનાવણી થવા દો. આ અરજી એડવોકેટ ચોંગથમ વિક્ટર સિંઘ અને બિઝનેસમેન માયેંગબામ જેમ્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
4 મુદ્દામાં જાણો, આખો વિવાદ…
1. મણિપુરમાં મૈતેઇ સમુદાય અડધી વસ્તી ધરાવે છે.
મણિપુરની લગભગ 38 લાખ વસ્તીના અડધાથી વધુ મૈતેઈ સમુદાયના લોકો રહે છે. ઇમ્ફાલ ખીણ, જે મણિપુરના લગભગ 10% વિસ્તારને આવરી લે છે, તેમાં મૈતેઇ સમુદાયનું વર્ચસ્વ છે. હાલમાં, મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST) માં મૈતેઈ સમુદાયના સમાવેશ પર વિચારણા કરવા આદેશો જારી કર્યા છે.
2. મૈતેઇ સમુદાય શા માટે અનામત માંગે છે
મૈતેઈ સમુદાયના લોકો દલીલ કરે છે કે 1949 માં ભારતીય સંઘ સાથે વિલીનીકરણ પહેલા, તેઓને રજવાડામાં જનજાતિનો દરજ્જો હતો. છેલ્લા 70 વર્ષોમાં મૈતેઈ વસ્તી 62 ટકાથી ઘટીને લગભગ 50 ટકા થઈ ગઈ છે. મૈતેઈ સમુદાય તેની સાંસ્કૃતિક ઓળખ માટે અનામતની માંગ કરી રહ્યું છે.
3. નાગા-કુકી આદિજાતિ અનામતની વિરુદ્ધમાં છે
મણિપુરના નાગા અને કુકી જનજાતિ મૈતેઈ સમુદાયને અનામત આપવાના વિરોધમાં છે. નાગાઓ રાજ્યના 90% વિસ્તાર પર કબજો કરે છે અને કુકીઓ રાજ્યની વસ્તીના 34% ભાગ બનાવે છે. તેઓ કહે છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો પહેલેથી જ મૈતેઇના પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણમાં છે. રાજકીય રીતે, મણિપુરમાં મૈતેઈ સમુદાય પહેલેથી જ પ્રભુત્વ ધરાવે છે. નાગા અને કુકી આદિવાસીઓને ડર છે કે એસટી કેટેગરીમાં મૈતેઈને અનામત આપવાથી તેમના અધિકારોનું વિભાજન થશે. હાલના કાયદા મુજબ, મૈતેઇ સમુદાયને રાજ્યના પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થવાની મંજૂરી નથી.
4. હાલની હિંસાનું કારણ અનામતનો મુદ્દો
મણિપુરમાં હાલની હિંસા મૈતેઇ અનામતને માનવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, મુખ્યપ્રધાન બિરેન સિંહની સરકારે ચુરાચંદપુરના જંગલ વિસ્તારોમાં રહેતા નાગા અને કુકી જાતિઓને ઘૂસણખોર ગણાવીને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો. આનાથી નાગા-કુકી ગુસ્સે થઈ રહ્યા હતા. મૈતેઈ હિન્દુઓ છે, જ્યારે એસટી કેટેગરીના મોટાભાગના નાગા અને કુકી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે.