વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં સ્લો ઓવર રેટ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ઓસ્ટ્રેલિયાને દંડ ફટકાર્યો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને પણ અમ્પાયરના નિર્ણયને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ દંડ ફટકાર્યો છે.
WTC ફાઈનલ ઇંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ ખાતે 7થી 11 જૂન દરમિયાન રમાઈ હતી. સ્લો ઓવર માટે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 100 ટકા અને ઓસ્ટ્રેલિયાની ટીમને મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતે નિર્ધારિત સમયમાં 5 ઓવર ઓછા ફેંકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 ઓવર ઓછી ફેંકી હતી.
શુભમન ગિલે અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી
ICCએ અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને તેની મેચ ફીના 15 ટકાનો દંડ પણ ફટકાર્યો છે. જોકે, તેને 115 ટકા આપવાના રહેશે. કારણ કે ટીમને 100 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
હકીકતમાં ટીમ ઈન્ડિયાની બીજી ઇનિંગમાં ગિલ કેમરૂન ગ્રીનના હાથે કેચઆઉટ થયો હતો. આ કેચ અંગે શંકા હતી. એવું લાગતું હતું કે બોલ અગાઉ જમીન પર અડી ગયો હતો. જોકે, થર્ડ અમ્પાયરે કેચને સાચો ગણાવીને ગિલને આઉટ ગણાવ્યો.
WTC ફાઈનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ 209 રને પરાજય આપ્યો હતો. 444 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ અંતિમ દિવસના પ્રથમ સેશનમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં કોઈપણ ભારતીય બેટર 50+ રન બનાવી શક્યો નહોતો. વિરાટ કોહલી (49 રન) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 270/8 પર ડિકલેર કર્યો હતો અને ભારતને જીતવા માટે 444 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.