ભારતીય મહિલા ટીમે ઇમર્જિંગ એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે પોતાની પહેલી મેચમાં હોંગ કોંગને 9 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં 20 વર્ષની ઑફ સ્પિનર શ્રેયાંકા પાટિલે જબરદ્સત પ્રદર્શન કર્યું છે. તેણે 3 ઓવરમાં માત્ર 2 રન આપીને 5 વિકેટ ઝડપી છે. હોંગ કોંગની ટીમ T20 ટુર્નામેન્ટમાં 14 ઓવરમાં માત્ર 34 રન બનાવીને આલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી 10 ખેલાડીઓ તો 10ના આંકડાને પાર પણ કરી શક્યા નહોતા. જવાબમાં ભારતીય મહિલા ટીમે ટાર્ગેટને 5.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. એટલે કે 32 બોલમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
શ્રેયાંકા પાટિલની શાનદાર બોલિંગ
મેચની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હોંગ કોંગની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 5 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 19 રન સુધીમાં કોઈ જ વિકેટ ગઈ નહોતી. પરંતુ આ પછી શ્રેયાંકા પાટિલે તરખાટ મચાવ્યો અને વિરોધી ટીમને પછાડ્યું હતું. ઓપનર મારિકો હિલે સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. તો 4 બેટર્સ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
મન્નત અને પાર્શવીને 2-2 વિકેટ
લેગ સ્પિનર પાર્શવી ચોપરા અને મન્નત કશ્યપે પણ 2-2 વિકેટ લીધી હતી. ટાર્ગેટના જવાબમાં તૃષા ગોંગડીએ 19* અને ઉમા છેત્રીએ 16* રન બનાવ્યા અને ટીમને 5.2 ઓવરમાં એક વિકેટના નુક્સાને ટાર્ગેટ ચેઝ કરાવ્યો હતો. જોકે કેપ્ટન શ્વેતા સેહરાવત કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 4 બોલમાં 2 રન જ કરી શકી હતી અને આઉટ થઈ હતી. તૃષાએ છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.