News Updates
INTERNATIONAL

ગુજરાતી દીકરીનો અમેરિકામાં ડંકો:વડોદરાની દેવાંશીએ મિસ ઇન્ટરનેશનલ અમેરિકાનો ખિતાબ જીત્યો, કહ્યું: ‘હું ગુજરાતી છું એ જ મારો સુપર પાવર છે’

Spread the love

મને ઘણા લોકો કહેતા હતા કે તું કંઈ નહીં કરી શકે, મોડેલિંગ, ફેશન અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું તું ભૂલી જા. તું ઇન્ડિયન છો, તું બ્રાઉન છો, તું આ બધું નહીં કરી શકે, પણ હું આજે અહીં છું અને મારે એજ કહેવું છે કે તમારામાં જેટલો પાવર છે અને કોન્ફિડન્સ છે, જેનાથી તમારું સપનું તમે પૂરું કરી શકો છો. હું ઇન્ડિયન છું અને ગુજરાતી છું એ જ મારો સુપર પાવર છે, આ શબ્દો છે હાલ કેનેડામાં રહેતી દેવાંશી વ્યાસના.. વડોદરામાં જન્મેલી દેવાંશી વ્યાસે મિસ ઇન્ટરનેશનલ અમેરિકા-2023નો ખિતાબ જીત્યો છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડને દેવાંશીને તાજ પહેરાવ્યો હતો.

65 સ્પર્ધકે ભાગ લીધો હતો
મૂળ વડોદરાની અને કેનેડામાં સ્થાયી થયેલી દેવાંશી વ્યાસ 24 વર્ષીય ઉત્સાહી યુવતી છે, જે મહિલા સશક્તીકરણનાં હિમાયતી છે. સિયેટલમાં મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023 પેજન્ટ યોજાઈ હતી, જેમાં ઉત્તર અમેરિકાની આસપાસના 65 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં દેવાંશી પણ એક પ્રતિસ્પર્ધી હતી. તેની પાસે મહિલાઓને તેમના અવાજનો ઉપયોગ કરવા અને સામાજિક દબાણ સામે પોતાના માટે ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરવા માટેનું વિઝન હતું. દેવાંશી માત્ર મિસ ઈન્ટરનેશનલ અમેરિકા 2023નો ખિતાબ જીતવા માગતી નહોતી, પરંતુ, તે એક હેતુ સાથે જીતવા માગતી હતી. તેનો હેતુ વિશ્વને બતાવવાનો હતો કે કોઈપણ વ્યક્તિ જે પોતાના માટે આત્મવિશ્વાસ અને મહત્ત્વાકાંક્ષા ધરાવે છે તે વિજેતા તરીકે ઊભરી શકે છે.

એક વર્ષની હતીને વિદેશમાં સ્થાયી થઈ
દેવાંશીને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ 1997 ડાયના હેડન દ્વારા મિસ ઈન્ટરનેશનલ અમેરિકા પેટી 2023 તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. દેવાંશી વ્યાસે જણાવ્યું હતું કે મારો જન્મ વડોદરામાં થયો હતો, પરંતુ હું માંડ એક વર્ષની હોઇશ અને મારા પરિવાર સાથે દુબઈ અને ત્યાર બાદ કેનેડા સ્થાયી થઈ હતી. મારાં માતા અનિતા વ્યાસ ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર છે અને મારા પિતાનું 2 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હાલ હું કેનેડામાં વેનકુવેર (vancouver) ડિપાર્ટમેન્ટમાં સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ અને પાઇલટ તરીકે ફરજ બજાવી રહી છું. મેં લો અને ક્રિમિનોલોજીનો અભ્યાસ કરેલો છે અને ક્રિમિનોલોજી (criminology)માં માસ્ટર્સ કરવાની ઈચ્છા છે.

સ્કૂલોમાં વર્કશોપ યોજવી છે
દેવાંશીએ જણાવ્યું હતું કે હું 2019માં મિસ કેનેડામાં ફાઇનાલિસ્ટ થઈ હતી અને ત્યાર બાદ તૈયારી પેજન્ટ કોચ મીનલ ડાઇક્રોઝ રાખી હતી. તેમણે મને ખૂબ મદદ કરી હતી. તેમણે મને પ્રશ્નોતરીથી લઇને કેટવોક સુધીનું તમામનું કોચિંગ આપ્યું હતું. દેવાંશી માને છે કે જો તે જીત હાંસલ કરી શકે છે તો કોઈપણ વ્યક્તિ યોગ્ય ધ્યાન, સખત મહેનત અને નિર્ણય સાથે જીત મેળવી શકે છે. મિસ ઈન્ટરનેશનલ અમેરિકા પેટીટ 2023ના નવા શીર્ષક સાથે દેવાંશી સ્વ-પ્રેમ અને નિશ્ચયના મહત્ત્વની હિમાયત કરવા શાળાઓમાં મેન્ટરશિપ વર્કશોપ યોજવા ઈચ્છે છે.

સ્ત્રીઓએ ઊભું થવું પડશે
દેવાંશીએ વધુમાં જણાવ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તે એક છોકરી હોવાને કારણે કંઈક કરી શકશે નહીં અને વારંવાર કહેવામાં આવ્યું કે તે તેનાં સપનાંને પ્રાપ્ત કરી નહીં શકે. જોકે દેવાંશી ટાંકે કહે છે, “જો સ્ત્રી પોતાના માટે ઊભી નહીં થાય તો દુનિયા તેની જીતવાની ક્ષમતા પર સવાલ ઉઠાવતી રહેશે. એકવાર સ્ત્રી પોતાના માટે ઊભી થાય છે તો તે બધી સ્ત્રીઓ માટે ઊભી થાય છે અને દરેક સ્ત્રી માટે અવાજ બની જાય છે.


Spread the love

Related posts

અમેરિકામાં વસતા ભારતીયોની માગ, દિવાળી પર જાહેર કરો નેશનલ હોલીડે

Team News Updates

એટલાન્ટિક મહાસાગરમાં ટૂરિસ્ટ સબમરીન 2 દિવસથી ગુમ:ટાઈટેનિકને બતાવવા જતી હતી, તેમાં બ્રિટિશ અબજપતિ, 2 પાકિસ્તાની સહિત 5 પ્રવાસીઓ સવાર હતા

Team News Updates

કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી:મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરોન્ટોમાં ગુમ થવા બાદ મોત

Team News Updates