સુરતના ઈચ્છાપોર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી પરિણીતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાતને પગલે પિયર પક્ષ દ્વારા તેને સાસરિયાં દ્વારા માનસિક-શારીરિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી પતિ સહિત ચાર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પરિણીતા તેના આપઘાત માટે પતિને કસૂરવાર જણાવ્યો હતો.
પરિણીતાએ ગળે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો
મૂળ બિહારના મધુબની જિલ્લાની વતની અને હાલ ઈચ્છાપોર ગામ સ્થિત જયરાજ સોસાયટીમાં રહેતી 29 વર્ષીય નીતુબેન દીપકભાઈ ચૌધરી આઇટી કંપનીમાં નોકરી કરી પતિ અને એક પુત્ર સહિતના પરિવારને આર્થિક મદદ કરતી હતી. નીતુબેનનો પતિ દીપક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. આ દરમિયાન નીતુબેને સોમવારે રાતે પોતાના ઘરે હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
નાની-નાની બાબતે માનસિક ત્રાસ આપતા
આ બનાવને પગલે ઈચ્છાપોર પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતક નીતુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. વધુમાં આ મામલે મૃતક નીતુબેનના ભાઈ રોશન ચૌધરીએ જણાવ્યું હતું કે બહેનના લગ્ન 6 વર્ષ પહેલાં સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમયમાં જ પતિ દીપક, સસરા, સાસુ, દિયર, નણંદ, નણદોઈ સહિતનાં સાસરિયાંવાળાં દ્વારા નાની-નાની બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
પિતાએ માતાને મોતને ઘાટ ઉતારી
તેણે વધુમાં જણાવ્યું હતું કે મૃતક નીતુના દીકરાએ જણાવ્યું હતું કે પિતા સાથે પહેલા મેગી ખાધી હતી. ત્યાર બાદ માતાને લઈને પિતા ઉપરના માળે ગયા હતા. જ્યાં ગળું દબાવી માતાને મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ સાડીથી લટકાવી દીધી હતી. પછી અંદરથી દરવાજો બંધ કરી બારીમાંથી પિતા બહાર નીકળી ગયા હતા.
પતિની ધરપકડ કરવામાં આવી
પરિવારના આક્ષેપ આધારે પોલીસ આ મામલો ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. આપઘાત કરનાર પરિણીતાના પતિ, સસરા, સાસુ સહિત ચાર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પરિણીતાના પતિની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.