SAFF ચેમ્પિયનશિપમાં ભારત-પાકિસ્તાન મેચમાં બુધવારે મોડી રાત્રે ઝપાઝપી થઈ હતી. પાકિસ્તાની ટીમના ખેલાડીઓ ભારતીય ટીમના મુખ્ય કોચ અને મેનેજર ઇગોર સ્ટીમાક સાથે લડવા પહોંચી ગયા હતા. મેચ રેફરી અને ભારતીય ખેલાડીઓએ વચ્ચે પડીને પરિસ્થિતિને સંભાળી લીધી હતી.
આ દરમિયાન લગભગ 4 મિનિટ સુધી મેચ રોકાઈ હતી. સ્ટીમાકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો અને રેફરીએ તેને રેડ કાર્ડ બતાવ્યું હતું. સ્ટીમાકને હવે ભારતની આગામી મેચમાં સ્ટેડિયમની બહાર રહેવાની સજા આપવામાં આવી છે.
હવે સમજો મેદાનમાં શું થયું…
બુધવારે સાંજે 7:30 વાગ્યે ભારત અને પાકિસ્તાનની ટીમો બેંગલુરુના કાંતિરાવા સ્ટેડિયમમાં ગ્રુપ-A મેચ રમવા ઊતરી હતી. અહીં ભારતે હાફ ટાઈમ પહેલાં 15 મિનિટમાં જ 2 ગોલથી સરસાઈ મેળવી લીધી હતી. 45મી મિનિટમાં પાકિસ્તાનનો એક ખેલાડી હાફ લાઇનમાંથી બોલ સાથે ટીમ ઇન્ડિયાની ગોલ પોસ્ટ તરફ દોડ્યો હતો. ભારતીય ખેલાડી તેની સામે આવ્યો અને બોલ ખેલાડીને વાગ્યો અને આઉટ લાઇનની બહાર ગયો હતો.
પાકિસ્તાનના ખેલાડીને લાગ્યું કે બોલ ભારતીય ખેલાડીના પગમાં વાગી ગયો છે અને બહાર ગયો છે, તેથી તેણે થ્રો-ઈન માટે ઝડપથી બોલ ઉપાડ્યો. એટલામાં નજીકમાં ઊભેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ઈગોર સ્ટીમાકે પાકિસ્તાની ખેલાડીના હાથમાંથી ફૂટબોલ નીચે પાડી દીધો લીધો.
જ્યારે કોચ વચ્ચે આવ્યા ત્યારે મેદાન પરના તમામ પાકિસ્તાની ખેલાડીઓ સ્ટીમેક તરફ દોડ્યા, ત્યારે જ ભારતીય ખેલાડીઓ અને રેફરી વચ્ચે આવ્યા હતા. જ્યારે વિવાદ વધી ગયો તો રેફરી અને બંને કેપ્ટને પોતાની ટીમના ખેલાડીઓને શાંત કર્યા. લગભગ 4 મિનિટ સુધી રમત બંધ રહી. નેપાળના રેફરી પ્રજ્વોલ છેત્રીએ કોચ સ્ટીમાકને રેડ કાર્ડ બતાવ્યું. આ દરમિયાન પાકિસ્તાની કોચિંગ સ્ટાફના એક સભ્યને પણ યલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું.
નેપાળ સામે મેદાન પર આવી શકશે નહીં
હાફ ટાઈમમાં રેડ કાર્ડ મળ્યા બાદ સ્ટીમાકને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા હતા. તેઓ હવે 24 જૂને નેપાળ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા સાથે મેદાન પર હાજર રહી શકશે નહીં. સ્ટીમાકને 2021માં પણ SAFF ચેમ્પિયનશિપ દરમિયાન રેડ કાર્ડ બતાવવામાં આવ્યું છે. એ પછી માલદીવ્સ સામેની સેમી-ફાઇનલમાં વિવાદને કારણે તેઓ નેપાળ સામેની ફાઇનલમાં મેદાન પર આવી શક્યા નહોતા.
ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું
હાફ ટાઈમ પછી રમત ફરી શરૂ થઈ, ભારત પહેલાંથી જ 2-0થી આગળ છે. બીજા હાફમાં ટીમે વધુ બે ગોલ કર્યા અને SAFF ચેમ્પિયનશિપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું. કેપ્ટન સુનીલ છેત્રીએ 10મી, 17મી અને 73મી મિનિટમાં હેટ્રિક નોંધાવી હતી, જ્યારે ઉદંતા સિંહે 81મી મિનિટે ગોલ કર્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં ટોપ પર પહોંચી ગઈ છે. ટીમની આગામી મેચ 24 જૂને નેપાળ સામે થશે અને છેલ્લી મેચમાં ટીમ 27 જૂને કુવૈત સામે ટકરાશે. 1 જુલાઈએ 2 સેમી-ફાઈનલ અને 4 જુલાઈએ ટૂર્નામેન્ટની ફાઈનલ બેંગલુરુમાં રમાશે. ભારત ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 8 વખત ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી છે.
એક્ટિવ ગોલ સ્કોરર્સમાં છેત્રી હવે ત્રીજા નંબર પર છે
ભારતીય સુકાની સુનીલ છેત્રીએ ભારે વરસાદ વચ્ચે પાકિસ્તાન સામે ત્રણ ગોલ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 90 ગોલ કર્યા છે. આ સાથે તે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ, એક્ટિવ ખેલાડીઓમાં 38 વર્ષીય છેત્રી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા નંબર પર છે.
રોનાલ્ડો 200 મેચમાં 123 ગોલ સાથે નંબર વન પર છે, તે 200 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ખેલાડી પણ છે. તેના પછી ઈરાનનો નિવૃત્ત ખેલાડી અલી દાઈ 109 ગોલ સાથે બીજા અને આર્જેન્ટીનાના મેસ્સી 103 ગોલ સાથે ત્રીજા ક્રમે છે.