ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગુરુવારે રાજ્યમાં 180 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો અને 70થી વધુ તાલુકામાં તો 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદની આ ગતિ આજે પણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મેધરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવા 1 ફુટ બાકી છે. પાણીનો પ્રવાહ આમને આમ શરૂ રહે તો સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થઇ જશે. જેને લઇને નીચાણવાળા 17 ગામડાઓને એલર્ટ અપાયું છે.
સવારે 6 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમીમાં) |
દ્વારકા | ખંભાળિયા | 93 |
દ્રારકા | કલ્યાણપુર | 80 |
પોરબંદર | રાણાવાવ | 45 |
જૂનાગઢ | શહેર | 44 |
દ્વારકા | શહેર | 25 |
ગીર સોમનાથ | તલાલા | 20 |
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે 6 ટ્રેનો રદ્દ, 1 રિ-સિડ્યુલ
સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ગિરસોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર પહોંચી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે આજની કુલ 6 ટ્રેનો રદ્દ અને 1 ટ્રેન રિ-સિડ્યુલ કરવામાં આવી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ આ અંગે જરૂરી જાણકારી આપી હતી અને લોકોને પોતાની મુસાફરી નવા ટાઇમટેબલ પ્રમાણે પ્લાન કરવાની સલાહ આપી હતી.
રદ કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
2) ટ્રેન નંબર 09511 પાલિતાણા-ભાવનગર 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે.
3) ટ્રેન નંબર 09512 ભાવનગર-પાલિતાણા 21.07.2023 ના રોજ શરૂ થતી સ્પેશિયલ રદ રહેશે.
4) ટ્રેન નંબર 19209 ભાવનગર – ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
5) ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
6) ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 21.07.2023 ના રોજ રદ રહેશે.
રિ-સિડ્યુલ કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ 21.07.2023 ના રોજ ઓખાથી તેના રેગ્યુલર સમય 00.55 કલાકને બદલે 9 કલાક અને 35 મિનિટ મોડી એટલે કે 21.07.2023 ના રોજ 10.30 કલાકે ઓખાથી ઉપડશે.
શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાઈ ગયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ 90 ટકાથી વધારે ભરાઈ ગયો છે શેત્રુંજી ડેમની સપાટી હાલ 32 ફૂટ 11 ઈંચે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી 29615 ક્યુસેક પાણીની આવક શરૂ છે, જેના કારણે આ પ્રવાહ આમને આમ અવિરત રહ્યો હતો, સાંજ સુધીમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ જશે.
17 જેટલા ગામોને એલર્ટ કરાયા
ઉપરવાસમાંથી આવી રહેલા અવિરત પ્રવાહને કારણે શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે.
ડેમ માત્ર 1 ફૂટ ખાલી, ગમે તે ઘડીએ ઓવરફ્લો
શેત્રુંજી ડેમમાં લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર કરવી નહીં તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું, ડેમ 34 ફૂટે છલકાશે તેથી હવે માત્ર 1 ફૂટ જેટલો જ ડેમ ખાલી છે, આથી હવે ભાવનગર શહેર-જિલ્લામાં વિના વરસાદે પણ જિલ્લાની જીવાદોરી છલક સપાટી એ પહોંચી ચૂકી છે જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
શેત્રુંજી ડેમની સપાટી 32 ફૂટ 11 ઈંચ પહોંચી
આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતુંએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સતત ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે, આજે મોટી રાત્રીએ ડેમ 90 ટકા જેટલો ભરાય ગયો છે ડેમમાં મોડીરાત્રે 12:39 વાગ્યાથી 8117 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી જે વધતી વધતી સવારે 7 વાગ્યાથી 29615 ક્યુસેક પાણી ની આવક શરૂ થઈ હતી જેના કારણે હાલ, ડેમની સપાટી 32 ફુટ 11 ઈંચએ પહોંચી છે, હાલ પણ ઉપરવાસમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ અવિરત પ્રણે આવી રહ્યો છે જેના કારણે સાંજ સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે.
વડોદરા શહેરમાં સિઝનનો 45 ટકા વરસાદ
વડોદરા શહેરમાં એક જ મહિનામાં સિઝનનો 45 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લાનો એવરેજ વરસાદ 40 ટકા જેટલો થયો છે. આમ એક જ મહિનામાં 40 ટકા વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ છે.
ઉકાઇ ડેમની સપાટીમાં વધારો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમ અને નંદુરબાર નજીકના પ્રકાશા બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં ઉકાઈ ડેમમાં 1.31 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. પાણીની આ આવકના પગલે ડેમની સપાટી 2 ફૂટ જેટલી વધી ગઈ છે. તાપી નદી પરના ભૂસાવલ નજીક આવેલા હથનુર ડેમમાંથી 1.37 લાખ જ્યારે નંદુરબાર જિલ્લાના પ્રકાશા બેરેજમાંથી 71619 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક શરૂ થઈ હતી. ગતરોજ 12 વાગ્યે પાણીની આવક 65 હજાર ક્યુસેક હતી અને ઉકાઈ ડેમની સપાટી 315.57 ફૂટ હતી. જે આજે વધીને 317.57 ફૂટ થઈ ગઈ છે.
રૂલ લેવલથી 16 ફૂટ દૂર
આજે સવારે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. હાલ 1.31 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 317.50 ફૂટ પહોંચી ગઈ છે. જેથી છેલ્લા 24 કલાકમાં જ ઉકાઈ ડેમની સપાટીમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. આ સાથે જ ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં પાણીની આવકમાં હજુ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. જુલાઈ મહિનાનું ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ છે.
સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે સુરત અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તારીખ 21 અને 22 જુલાઈ એ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.