શિકારની શોધમાં દીપડાઓ હવે રહેણાક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ સામે આવે છે. જેમાં દીપડાઓ શિકાર કરતા કેમરામાં કેદ થાય છે. આવા જ એક સીસીટીવી સામે આવ્યા છે જૂનાગઢના માંગરોળથી. જ્યાં પેટ્રોલ પંપ પર આરામ ફરમાવી રહેલા એક શ્વાનને દીપડો માત્ર પાંચ સેંકન્ડમાં જ ઉપાડી જાય છે.
માંગરોળના કાટલીના બંદર રોડ પરની ઘટના
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકના કાટલીના બંદર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ પર સુતેલા શ્વાનને બિલ્લીપગે આવેલો દીપડો પાંચ સેંકન્ડમાં જ ઉપાડી જાય છે. સામે આવેલા સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મધરાતે પેટ્રોલ પંપ સૂમસાન હોય છે. જ્યાં એક શ્વાન આરામ ફરમાવતો હોય છે. ત્યારે સામેના રોડ પરથી એક દીપડો આવતો દેખાય છે. દીપડો જેમ જેમ નજીક આવે છે, તેમ તેમ તે પોતાનાં પગલાં દબાવે છે. અવાજ ન થાય અને શ્વાન ભાગી ન જાય તે માટે સાવ ધીમે ધીમે દીપડો આવતો દેખાય છે.
શ્વાન બચવા માટે તરફડિયા મારે છે પણ…
સીસીટીવીમાં જોવા મળે છે કે, દીપડો શ્વાનથી એકદમ નજીક આવીને તરાપ મારીને શ્વાનને ગરદનથી પકડી લે છે. ત્યારે શ્વાન બચવા માટે તરફડિયા મારે છે પણ દીપડા સામે તે લાચાર હોય છે. આમ માત્ર પાંચ જ સેંકન્ડમાં દીપડો શ્વાનને ઉપાડીને ભાગી જાય છે. ત્યારે અન્ય શ્વાનો દીપડા પાછળ દોડે છે, પણ કંઇ કરી શકતા નથી. આટલામાં તો દીપડો ગાયબ થઇ જાય છે.
સીસીટીવી સામે આવતાં સ્થાનિકોમાં ફફડાટ
આ વિસ્તારમાં અવારનવાર દીપડાઓ જોવા મળતા હોય છે. હમણા થોડા દિવસ અગાઉ પણ દીપડો જોવા મળ્યો હતો. ત્યારે પસાર થતા વાહનચાલકોએ પોતાનાં વાહનો રોકી દીધાં હતાં. જ્યારે આજે ફરી શ્વાનના શિકારના લાઇવ સીસીટીવી સામે આવતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યા સામે આવેલા આ સીસીટીવી પ્રથમવાર નથી. ચારેક મહિના અગાઉ પણ દીપડાએ કરેલા શ્વાનના શિકારની ઘટનાના CCTV સામે આવ્યા હતા. મેંદરડા તાલુકાના સાત વડલા ગામની શેરીમાં આરામ ફરમાવી રહેલા એક શ્વાન પર દીપડો મોત બનીને ત્રાટક્યો હતો. ગણતરીની સેકન્ડોમાં જ દીપડો શ્વાનનો શિકાર કરી ફરાર થઈ ગયો હતો.
રહેણાક વિસ્તારમાં શિકારની ઘટના બની
ચારેક મહિના અગાઉ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાત વડલા ગામના રહેણાક વિસ્તારમાં રાત્રિના સમયે શેરીના શ્વાનો આરામ ફરમાવી રહ્યા હતા, ત્યારે પાછળથી બિલ્લીપગે આવેલો દીપડો કૂતરા પર મોત બનીને ત્રાટક્યો હતો. આ સમયે અન્ય કૂતરાઓ આવી જતાં દીપડો શિકારને મોઢામાં લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
શિકારની ઘટના CCTVમાં કેદ થઈ
મેંદરડા તાલુકાના સાત વડલા ગામમાં બનેલી શિકારની આ ઘટના ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે વાઈરલ થતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. આ વિસ્તારમાં ફરી રહેલા દીપડાને વનવિભાગ પાંજરે પૂરે તેવી ગામલોકો માગ કરી રહ્યા છે.