- દર્શનાર્થે આવેલા યાત્રિકોની મંદિરથી એક કિ.મી સુધી લાઈનો લાગી
- દર્શન માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે કેટલાક લોકોએ ગેરકાયદે પ્રવૃત્તિ શરુ કરી, વ્યક્તિ દીઠ 10 રૂપિયા વસૂલવામાં આવ્યાં
યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડરાયના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતાં. દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનના ફરજીયાત નિયમને કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરુ કામ હતુ. બીજી બાજુ સરકારી તંત્રની કોવિડ-19 ગાઈડલાઈનના નિયમ પાલનની સખ્તાઈને પગલે દર્શનાર્થીઓ રોષે ભરાયાં હતાં. અહીં દર્શન માટે કેટલાક લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપવા માટેની દુકાન પણ ખોલી દીધી હતી. જેમાં વ્યક્તિ દીઠ રજીસ્ટ્રેશનના 10 રૂપિયા વસૂલવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ અંતે તંત્ર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને સીધાજ મંદિરમાં દર્શન કરવા દેવાનો નિર્ણય કરવામાં આવતાં દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહી હતી.

ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન
ઓનલાઈન દર્શન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બંધ કરવી પડી
યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર આવ્યું હતું. દર્શનાર્થીઓની ભીડ જામતા પોલીસને ટ્રાફિક નિયંત્રણ અને દર્શન માટે લાઈન સાચવતાં નાકે દમ આવી ગયો હતો. ત્યારે બીજી બાજુ ડાકોરમા દર્શનાર્થીઓને ભગવાનના દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની હાટડીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. જેમાં વ્યક્તિ દિઠ રજિસ્ટ્રેશનના 10 રૂપિયા વસૂલવામાં આવતાં હતાં. આખરે તંત્રએ લોકોની ભીડને જોતાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને દર્શનાર્થીઓને સીધા જ મંદિરમાં દર્શન માટે મોકલવામાં આવ્યાં હતાં.

ભક્તોની દર્શન માટેની લાઈન
પોલીસ માટે ટ્રાફિક નિયંત્રણ અઘરું સાબિત થયું
પોલીસ માટે ટ્રાફિક નિયમન અઘરું જ નહીં મહા મુશ્કેલી ઉભી કરનારું બની ચૂક્યું હતું. ડાકોર મંદીરથી એક કિલોમીટર દૂર સુધીની કતાર જોવા મળી હતી.વળી દર્શનાર્થીઓની દર્શન તાલાવેલી નો ઉપભોગ મોબાઈલ ધારકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે યાત્રિકો પાસેથી 10 રૂપિયા વસુલવાનું શરૂ કરી દીધું હતું.યાત્રિકોનો રોષ અને ધસારો અસહ્ય થતા જિલ્લા વહીવટી તંત્રની ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજીયાતનો નિર્ણય બદલવો પડ્યો અને યાત્રિકોને કોવિડ ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમ મુજબ દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.
શુક્રવારે 6 હજારથી ઓછા દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતાં
યાત્રાધામ ડાકોરમાં 6 મહિના અને 7 પૂનમ બાદ રણછોડરાયજી પ્રભુના દર્શન ભક્તોને થઈ રહ્યા છે.ચાલુ માસે મંદિરના પંચાંગ મુજબ 30 ઓક્ટોબરે પૂનમ ઉજવાઈ હતી જ્યારે અન્ય પંચાંગ મુજબ વ્રતની પૂનમ 31 ઓક્ટોબર ના રોજ ગણાઈ હતી.ડાકોરમાં પૂનમ દર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર ,પોલીસ વિભાગ અને મંદિર મેનેજમેન્ટ તંત્રએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી જ દર્શન કરી શકાશે તેવો નિયમ જાહેર કરતા 30/10/2020 ના રોજ માત્ર 6000 થી પણ ઓછા યાત્રિકો દર્શન કરી શક્યા હતા. બીજી તરફ બોડાણા સર્કલ પાસે યાત્રિકોને ટ્રાફિક નિયંત્રણ માટે રાખવામાં આવેલ આડબંધ વેપારીઓની રોજીરોટી છીનવનારો બની રહ્યો હતો.આ આડબંધના કારણે સ્થાનિક જનતા અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો.જોકે આ બાબતે પણ બપોર બાદ પોલીસ તંત્ર ઢીલું પડ્યું અને આડબંધ ખોલી દીધો હતો.જોકે કોઈ અઘટિત ઘટના ન બની હોવાના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.