સૌરાષ્ટ્રની વિધાનસભાની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં બે પર કોંગ્રેસ અને એક પર ભાજપનું પલડું ભારે, કોરોના મહામારીમાં મતદાન ઘટે તો ભાજપ માટે કપરાં ચઢાણ

0
411

મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા (ડાબી બાજુ) અને કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ (જમણી બાજુ).

  • સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતી મોરબી બેઠક પર શહેરમાં ભાજપનો દબદબો તો ગામડાંમાં કોંગ્રેસનું વર્ચસ્વ
  • ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાને 16 કરોડમાં વેચાયાની ચર્ચાની અસર કરી શકે છે
  • ગઢડા બેઠક પર ભાજપનો દબદબો, પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવાર આયાતી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં સૌરાષ્ટ્રની ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠકનો સમાવેશ થાય છે. આવતીકાલે આ ત્રણેય બેઠક પર મતદાન થવાનું છે. ગઈકાલે રવિવારે સાંજે 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હાલની પરિસ્થિતિ અને માહોલ જોઈએ તો મતદાન કેટલું થશે એ પણ બંને પક્ષ સહિત લોકોમાં એક મોટો સવાલ છે. ન્યુઝ અપડેટ્સ એ ત્રણેય બેઠક પર સ્થાનિક લોકોનો મિજાજ જાણી એનાલિસિસ કર્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠકમાંથી બે પર કોંગ્રેસ અને એક પર ભાજપનું પલડું ભારે રહેશે. આ ત્રણેય બેઠક પર મુખ્યમંત્રીથી લઈને સ્ટાર પ્રચારકો ભાજપના સમર્થનમાં જાહેર સભા કરી ચૂક્યા છે, જ્યારે કોંગ્રેસ પણ પોતાના દિગ્ગજ નેતાઓને ઉતારી એડીચોટનું જોર લગાવી ચૂકી છે. કોરોના મહામારીમાં જો મતદાન ઘટશે તો ભાજપમાં કપરાં ચઢાણ સમાન સ્થિતિ જોવા મળશે.

મોરબી બેઠક પર શહેરમાં મતદાન ઘટશે તો ભાજપને ફટકો પડશે, ગામડાંમાં કોંગ્રેસનું પલડું ભારે
મોરબી-માળિયામિંયાણા વિધાનસભા બેઠકમાં 2,55,971 મતદાર નોંધાયેલા છે. મોરબી બેઠક પાટીદારોનો ગઢ છે. મોરબીમાં ભાજપે આયાતી ઉમેદવાર ઉતાર્યા છે. મોરબી એક સમયે પેરિસ તરીકે જાણીતું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેસ મેરજા પાતળી સરસાઈ 3419 મતથી જ વિજેતા બન્યા હતા. મોરબી શહેરમાં મતદાન ઘટશે તો ભાજપને ફટકો પડી શકે તેમ છે, કારણ કે ગામડાંમાં બ્રિજેશ મેરજાના પક્ષપલટાની અસર જોવા મળી રહી છે. શહેરમાં મતદારોને બહાર કાઢવામાં ભાજપ સફળ થશે તો ભાજપને ફાયદો થઈ શકે તેમ છે. ગામડાંમાં ભાજપના નેતાઓને અગાઉ પ્રચારમાં જાકારો પણ મળી ચૂક્યો છે. મોરબી શહેર ભાજપતરફી છે તો ગામડાં કોંગ્રેસતરફી જોવા મળી રહ્યાં છે, આથી મોરબીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીનો જંગ જામશે. બંને પક્ષના ઉમેદવારોમાં જેની પણ જીત થશે તેમાં લાંબી લીડ મળશે નહીં. બેથી કે ત્રણ હજારની લીડથી કોઈપણ એક ઉમેદવાર જીતે એવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ સ્થાનિક ઉમેદવાર અને પાટીદારોમાં વર્ચસ્વ ધરાવે છે.

ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા (ડાબી બાજુ) અને ભાજપના ઉમેદવાર જે.વી. પટેલ (જમણી બાજુ).

ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા (ડાબી બાજુ) અને ભાજપના ઉમેદવાર જે.વી. પટેલ (જમણી બાજુ).

ધારી બેઠક પર જે.વી. કાકડિયા આયાતી ઉમેદવાર, 16 કરોડમાં વેચાયાની ચર્ચાની અસર કરશે
2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાએ ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી સામે 18,336 મતથી વિજેતા બન્યા હતા. જે.વી. કાકડિયાએ પક્ષપલટો કરતાં સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ બેઠક પર પાટીદાર, કોળી, દલિત, ક્ષત્રિય અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા પણ આયાતી ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડિયાના પુત્ર છે. ભાજપના ઉમેદવાર કાકડિયા 16 કરોડમાં વેચાયા હોવાની ચર્ચાની અસર પેટાચૂંટણીમાં ભારે પડી શકે છે. કોરોના મહામારીમાં ધારી બેઠક પર મતદાન ઓછું થશે તો એનો ફટકો ભાજપને પડી શકે છે. લોકડાઉન દરમિયાન પોલીસ દ્વારા આપવામાં આવેલા આકરા દંડની અસર પણ ભાજપ માટે પકડારરૂપ સાબિત થશે. બીજી તરફ અતિવૃષ્ટિને કારણે સરકાર દ્વારા થયેલી સહાયની જાહેરાતો ભાજપને ફાયદો કરાવી શકે છે.

ગઢડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી (ડાબી બાજુ) અને ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર (જમણી બાજુ).

ગઢડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકી (ડાબી બાજુ) અને ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર (જમણી બાજુ).

ગઢડા બેઠક ભાજપનો ગઢ, હાલ BJP તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે
ગઢડા વલ્લભીપુર અને ઉમરાળા ત્રણ તાલુકાની બનેલી ગઢડા વિધાનસભાની બેઠક પર 2017માં કોંગ્રેસના પ્રવીણ મારૂ આત્મારામ પરમાર સામે 10 હજાર જેટલા મતથી વિજયી બન્યા હતા. આ બેઠક પરથી 1998, 2007 અને 2012માં આત્મારામ પરમાર જીત્યા હતા, જ્યારે કોંગ્રેસના પ્રવીણ મારૂ બે વાર જીત્યા હતા. ગઢડા નગરપાલિકામાં ભાજપનું વર્ષોથી શાસન છે અને ગઢડા શહેર ભાજપની વોટ બેંક ગણાય છે, જ્યારે ગઢડા આજુબાજુનાં 25 જેટલાં ગામોનું હટાણું છે, જેથી ત્યાં પણ ભાજપનો હાથ ઉપર રહે એવી શક્યતા છે. બીજી તરફ, વલ્લભીપુર શહેર અને તાલુકામાં ભાજપની વોટ બેંક છે અને ભાજપતરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉમરાળા શહેર અને તાલુકામાં ઉમરાળા અને ધોળા ભાજપની વોટ બેંક કહી શકાય તો બીજી તરફ ઉમરાળાના 43 ગામમાંથી 16 જેટલાં ગામમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધુ છે, જ્યારે બાકીનાં ગામોમાં મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ એમાં પણ ભાજપનો હાથ ઉપર રહે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રથમ દૃષ્ટિએ ગઢડા બેઠક ભાજપના ખાતામાં આવતી દેખાય રહી છે. આત્મારામ પરમાર અને મોહન સોલંકી આ બંને ઉમેદવારો બહારના હોય, જેથી તેઓ મતદાન કરી શકશે નહીં.

સૌરાષ્ટ્રની મોરબી, ધારી અને ગઢડા બેઠકનું તારણ
સૌરાષ્ટ્રની ત્રણેય બેઠકની જો વાત કરીએ તો ધારી અને મોરબી બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે, જ્યારે ગઢડા બેઠક પર ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ભાજપ માટે ધારી અને મોરબી બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા બરાબર હોવાનું જોવા મળી રહ્યું છે. જો આ બંને બેઠક પર ભાજપ જીતે તોપણ ઉમેદવારને પાતળી સરસાઈથી જીત મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here