અત્યાર સુધીમાં પક્ષોને 6,493 કરોડ રૂપિયા મળી ચૂક્યા
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને ચોક્કસ કહીએ તો આ વર્ષના ઓક્ટોબરની 19મી અને 28મી વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય પક્ષોને 282 કરોડ રૂપિયા મળ્યા હતા એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ 282 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચ્યા હતા.
2018માં શરૂ કરાયેલી આ યોજના પછી અત્યાર સુધીમાં રાજકીય પક્ષોને કુલ રૂપિયા 6,493 કરોડ મળી ચૂક્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ્સ એક એવી યોજના છે જેમાં જે તે રાજકીય પક્ષને કોણે કેટલી રકમ દાનમાં આપી એનો કદી અણસાર આવતો નથી કે હિસાબ મળતો નથી.
એક માતબર અંગ્રેજી અખબારે આરટીઆઇ હેઠળ માગેલી માહિતીમાં આ વિગતો મળી હતી. ઓક્ટોબરની 19મી અને 28મી વચ્ચે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક કરોડ રૂપિયાનો એક એવા 279 બોન્ડ વેચ્યા હતા જ્યારે દસ લાખ રૂપિયાનો એક એવા 32 બોન્ડ વેચ્યા હતા. એટલે કે આટલી માતબર રકમ જે તે રાજકીય પક્ષોને મળી હતી.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની મુંબઇ મેન શાખાએ ઇલેક્ટોરલ બોન્ડ્સની 14મી સિરિઝના 130 કરોડ રૂપિયાના બોન્ડ્સ બહાર પાડ્યા હતા જ્યારે આ બેંકની દિલ્હી શાખાએ ફક્ત 11 કરોડ 99 લાખના બોન્ડ્સ રિલિઝ કર્યા હતા. અન્ય ત્રણ શહેરોની શાખાઓએ કુલ 237 કરોડના બોન્ડ્સ વેચ્યા હતા. બિહારની રાજધાની પટણામાં 80 લાખ રૂપિયાના બોન્ડ્સ રિલિઝ થયા હતા.
ચેન્નાઇમાં 80 કરોડ, હૈદરાબાદમાં 90 કરોડ અને ભુવનેશ્વરમાં 67 કરોડના બોન્ડ્સ રિલિઝ થયા હતા. 2018માં શરૂ કરાયેલી આ યોજના પોલિટિકલ પાર્ટીઓને નાણાં આપવા માટે શરૂ કરાઇ હતી. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા રૂપિયા એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડની કિંમતના બોન્ડ બહાર પડાયા હતા. એ ખરીદ્યા પછી પંદર દિવસની અંદર જે તે પાર્ટીને આપી દેવાના હોય છે. કોણે કયા પક્ષને કે ઉમેદવારને કેટલું આર્થિક ભંડોળ આપ્યું એ વિગતો ખાનગી રાખવા માટે આ યોજના શરૂ કરાઇ હતી.