અમદાવાદનો આ વિસ્તાર હોટસ્પોટ બનતા ફફડાટ, કન્ટેનમેન્ટ ઝોનને લઇને AMCએ લીધો મોટો નિર્ણય

0
81

દિવાળીના તહેવારો બાદ છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. વધી રહેલા કોરોનાને કારણે ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જોકે, કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે અમદાવાદ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યું છે. પરંતુ અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે.

  • બોપલ બન્યું નવું હોટસ્પોટ
  • પશ્ચિમ ઝોનમાં કોરોનાના કેસ વધતા ચિંતા વધી 
  • AMC બન્યું આક્રમક

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના બેકાબૂ બન્યો છે. અમદાવાદનું બોપલ બન્યું કોરોનાનું નવું હોટસ્પોટ બનતા ચિંતા વધી છે. સમગ્ર અમદાવાદમાં કોરોનાના કુલ 2840 એક્ટિવ કેસ છે તે પૈકીના 1379 એક્ટિવ કેસ તો માત્ર બોપલના વિસ્તારના છે. 

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કન્ટેનમેન્ટ ઝોન 

ત્યારે તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા કેન્ટેન્ટમેન્ટ ઝોનમાં નવા 30 ઝોન ઉમેરાયા છે જેમાં સૌથી વધુ પશ્ચિમ વિસ્તારના છે. જણાવી દઇએ કે, શહેરમાં 162 વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે.

AMC બન્યું આક્રમક

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછોળો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે મનપા પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા સમગ્ર શહેરમાં 2 દિવસનો કર્ફ્યુ જાહેર કર્યા બાદ હવે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે. 

સોમવારે ગુજરાતમાં 1487 નવા કેસ નોંધાયા 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1487 કેસ નોંધાયા છે.નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1234 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,81,178 પર પહોંચ્યો છે. આજે 17 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3876 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલમાં 13836 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13836 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ  91.09 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,521 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 73,04,705 પર પહોંચ્યો છે. 

અમદાવાદ જિલ્લામાં 344 કેસ આવતા ચિંતા વધી 

આજે અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 25, સુરત શહેરમાં 217, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 132, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 59, મહેસાણામાં 46, ગાંધીનગર શહેરમાં 44, ગાંધીનગર જિલ્લામાં 38 કોરોનાના કેસ નોંધાયા છે.

સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી 

સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હી અને આસામ એમ ચાર રાજ્યો પાસેથી કોરોનાની કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે આ રાજ્યોમાં સંક્રમણની સ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે આ રાજ્યો 2 દિવસમાં રિપોર્ટ સબમીટ કરે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here