રાજકોટ ‘મિલ્ક સિટી’; અમુલને 2.80 લાખ ચો.મી. જમીન ફાળવવા કાર્યવાહી

0
82

સૌરાષ્ટ્ર-કચ્છનો મોટામાં મોટો મિલ્ક પ્લાન્ટ ઉભો કરવા અમુલ દ્વારા તજવીજ:આણંદપર-સોખડાના સર્વે નં. 207 અને 109માં 70 એકર જમીન ફાળવાશે; અમુલ સૌરાષ્ટ્રનો મોટો મિલ્ક પ્લાન્ટ ઉભો કરશે; મોટો ફાયદો:દરરોજ 25 લાખ લિટર મિલ્કનું પ્રોસેસિંગ કરશે; જંત્રીના ભાવે જમીન આપવા કાર્યવાહી; અમુલને 10 લાખ પ્રોસેસ ફી ભરવા આદેશ; જમીનની માપણી પુરી

સૌરાષ્ટ્ર-કચ્છનો મોટામાં મોટો મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ રાજકોટ નજીકના અમદાવાદ હાઈવે પર આણંદપર અને સોખડા ગામની 70 એકર સરકારી જમીન ઉપર ઉભો કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે તજવીજ હાથ ધરી છે. આ માટે જમીનની માપણી સહિતની કામગીરી કરવા માટે રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ. કથીરિયાને રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આદેશ કરતા આ બંને ગામોના સર્વે નં. આણંદપરના 207 અને સોખડાના 109વાળી જમીનમાં માપણી પૂરી કરી લેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત મિલ્ક માર્કેટીંગ કો.ઓપ. સોસાયટીને જંત્રીના ભાવે જમીન આપવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરે પ્રોસેસ ફીના 10 લાખ રુપિયા ભરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે રાજકોટની ઓળખ ઔદ્યોગિક નગરીની સાથોસાથ મિલ્ક સિટી તરીકે પણ થવા જઇ રહી છે. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજયભાઈ રુપાણીએ રાજકોટને એઇમ્સ, એરપોર્ટ બાદ હવે એક મોટી ભેટ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છનો મોટામાં મોટો મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ રાજકોટમાં ઉભો કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટરને અમૂલ માટે રાજકોટ નજીક સરકારી ખરાબાની જમીન આપવા રાજ્ય સરકારે કરેલા આદેશ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર આણંદપર અને સોખડાના સર્વે નં. 207 અને 109વાળી 70 એકર જમીન આઈડેન્ટીફાઈ કરી છે. આ જમીનની માપણી કરી લેવામાં આવી છે. આ જમીન પર અમૂલ દ્વારા મોટામાં મોટો સૌરાષ્ટ્ર-કચ્છનો મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ ઉભો કરવામાં આવશે.


રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ. કથીરીયાના જણાવ્યા મુજબ રાજકોટ નજીક આણંદપર અને સોખડાની સરકારી જમીન 2.80 લાખ ચોરસ મીટર અમૂલને ફાળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમૂલ દ્વારા દરરોજ 25 લાખ લીટર દૂધનું પ્રોસેસીંગ કરવામાં આવશે. હાલમાં અમૂલ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં દૂધ પુરુ પાડવા માટે દરરોજ 20 લાખ લીટર દૂધ રાજકોટ ડેરીને મોકલવામાં આવે છે. આ પરિવહન ખર્ચ રાજકોટમાં મોટામાં મોટો અમૂલનો પ્લાન્ટ શરુ થતાં બચી જશે. રાજકોટ તાલુકા મામલતદાર કે.એમ. કથીરીયાએ વધુમાં જણાવ્યું હતું કે આ જમીન ઉપર હાલ 10 થી 15 જેટલા ઇંટના ભઠ્ઠાઓનું દબાણ હોય અને તેનો કેસ રાજકોટ પ્રાંત અધિકારી સમક્ષ ચાલી રહ્યો છે તે કેસનો તાત્કાલીક નિકાલ કરી લેવામાં આવશે અને તેના પર થયેલા દબાણો દૂર કરી આ જમીન અમૂલને ફાળવી દેવામાં આવશે. અમૂલને આ જમીન જંત્રીના ભાવે ફાળવવા માટેની કાર્યવાહી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. અમૂલને 10 લાખ રુપિયા જમીન ફાળવણીની પ્રોસેસ ફી ભરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. આગામી બે વર્ષમાં અમૂલનો મોટોમાં મોટો મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ શરુ થઇ જાય અને રાજકોટના હજારો બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તે રીતે અમૂલનો પ્લાન્ટ શરુ થવા જઇ રહ્યો હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here