- RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવતાં બે દિવસ થતા હોવાથી પોલીસની કાર્યવાહીમાં વિલંબ થતો હતો
ગુજરાતમાં કેદી કે આરોપીના કોરોનાના RT-PCR ટેસ્ટ કરવો ફરજિયાત નથી. કેદીઓ અને આરોપીઓના કોરોના ટેસ્ટને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે આદેશ આપ્યો છે કે કેદી કે આરોપીના કોરોના ટેસ્ટ RT-PCR કરવો ફરજિયાત નથી. એને બદલે એન્ટિજન ટેસ્ટ કરાવી શકાશે.
RT-PCR ટેસ્ટમાં બે દિવસના વિલંબને પગલે એન્ટિજન ટેસ્ટની મંજૂરી
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ, અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પહેલાં તેનો RT-PCR ટેસ્ટ કરાતો, જેનો રિપોર્ટ બે દિવસે આવતો હોવાથી તેની પૂછપરછ અને અટકાયતમાં હાલાકી પડતી હતી. કેદીને કોર્ટમાં રજૂ કરવામાં પણ વિલંબ થતો હતો. કાનૂની રીતે આરોપીની અટકાયત બાદ 24 કલાકમાં ન્યાયાલયમાં રજૂ કરવો પડે, પણ RT-PCR ટેસ્ટમાં આ બાબત શક્ય બનતી ન હતી. આવાં અનેક કારણે હવે સરકારે આરોપીઓ-કેદીઓના એન્ટિજન ટેસ્ટની મંજૂરી આપી છે.
એન્ટિજન ટેસ્ટિંગ શું છે?
એન્ટિજન ટેસ્ટને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પણ કહેવાય છે. એન્ટિજન ટેસ્ટ પ્રોસેસ દરમિયાન દર્દીની લાળને નમૂના તરીકે લેવામાં આવે છે. આ અંતર્ગત વ્યક્તિના શરીરમાં વાઇરસ છે કે નહીં એ ફ્લોરોસન્સ ઇમ્યુનોએસે મેથડ દ્વારા શોધવામાં આવે છે. મોટી સંખ્યામાં ફિઝિશિયન્સ એન્ટિજન ટેસ્ટને ટેકો આપી રહ્યા છે. સતત વધી રહેલી RATની સંખ્યાએ ભારત સરકારનું ટેસ્ટિંગ વધારવા, શરૂઆતમાં ચેપ શોધી કાઢવા, ચેપગ્રસ્તોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ્સના આઇસોલેશનમાં ઘણી મદદ કરી છે.
એન્ટિજન ટેસ્ટ કેટલા સચોટ હોય છે?
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર, મોલિક્યુલર ટેસ્ટ કરતાં એન્ટિજન ટેસ્ટ વધારે ઝડપથી રિઝલ્ટ આપે છે. જોકે,એન્ટિજનમાં કોઈ એક્ટિવ ઇન્ફેક્શન કેસ ચૂકી જવાની શક્યતા વધારે હોય છે. જો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો તો આ રિઝલ્ટ ખોટું પણ હોઈ શકે છે. તેની ખાતરી કરવા માટે RT-PCR ટેસ્ટ કરવાની જરૂર હોય છે. આ ટેસ્ટની સૌથી ખાસ વાત એ છે કે આ ટેસ્ટ ઝડપથી થાય છે અને એ જ જગ્યાએ ડિવાઇસની મદદથી કરી શકાય છે.
જો એન્ટિજન ટેસ્ટ નેગેટિવ હોય તો PCR ટેસ્ટ થવો જોઈએઃ ICMR
ICMRએ 23 જૂનના રોજ કોવિડ-19ની નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે એક એન્ટિજન ટેસ્ટમાં પોઝિટવ આવેલી વ્યક્તિને ખરેખર ચેપગ્રસ્ત માનવી જોઈએ, પરંતુ કોઈ વ્યક્તિમાં જો લક્ષણો દેખાઈ રહ્યાં હોય અને રિઝલ્ટ નેગેટિવ હોય તો તેનો PCR ટેસ્ટ કન્ફર્મ કરવો જોઈએ.
RT-PCRએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે
ICMRના જણાવ્યાનુસાર, સંપૂર્ણ પબ્લિક હેલ્થ મશીનરી કોવિડ-19 દર્દીઓનો ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ કરવામાં લાગેલી છે. આવી સ્થિતિમાં SARS-COV-2 પ્રારંભિક સમયમાં જાણવા માટે એન્ટિજન આધારિત એસેજને પોઇન્ટ ઓફ કેર ટેસ્ટ તરીકે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. ICMRના જણાવ્યાનુસાર, SARS-COV-2 શોધવા માટે રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ્ક્રિપ્શન પોલિમરેજ ચેન રિએક્શન (RT-PCR) ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે.
એન્ટિજન ટેસ્ટ માટે લેબ હોવી જરૂરી નહીં
ICMRએ ભારતમાં સાઉથ કોરિયાની કંપની SD બાયો સેન્સરની એન્ટિજન ડિટેક્શન કિટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. તેને સ્ટાન્ડર્ડ ક્યુ કોવિડ-19 એજી ડિટેક્શન કિટ પણ કહેવાય છે. આ કિટમાં ઇનબિલ્ટ એન્ટિજન ટેસ્ટ ડિવાઇસ, વાઇરલ લાયસિસ બફર સાથે વાઇરલ કાઢવા માટે ટ્યૂબ અને સેમ્પલ કલેક્ટ કરવા માટે સ્ટિરોઇડ સ્વેબ આવે છે.
મેડિકલ એક્સપર્ટની દેખરેખમાં એન્ટિજન ટેસ્ટ કરવા ICMRની સલાહ
ICMRએ સલાહ આપતાં જણાવ્યું હતું કે આ ટેસ્ટને મેડિકલ એક્સપર્ટની દેખરેખમાં જ કરવો જોઈએ. આ ઉપરાંત ICMRએ ઇન્ડિયન કંપની લેબકેર ડાયગ્નોસ્ટિક લિમિટેડની કોવિડ 19 એન્ટિજન લેટરલ ટેસ્ટ ડિવાઇસ અને બેલ્જિયમની કોવિડ 19 એજી સ્ટ્રિપ અપ્રૂવ કરી છે.