કાશ્મીરના અનંતનાગમાં રવિવારે 17 સપ્ટેમ્બરે છઠ્ઠા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. સેનાને આશંકા છે કે કોકરનાગના જંગલોમાં વધુ બે આતંકવાદીઓ છુપાયા છે. શનિવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. રાત્રે અંધારું થતાં ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.
સેનાએ ગઈકાલે કોકરનાગમાં પ્રથમ વખત કોઈ આતંકવાદી ઓપરેશનમાં સૌથી અદ્યતન ડ્રોન હેરોન માર્ક-2 દ્વારા હુમલો કરાયો હતો. ઈઝરાયેલ પાસેથી મળેલા આ ડ્રોન પહાડી અને જંગલ વિસ્તારમાંથી આતંકવાદીને શોધીવા તેમજ તેને ઠાર મારવા માટે સક્ષમ છે.
ડ્રોને આતંકીને શાધીને તેના પર ગ્રેનેડ ફેંક્યો, જેનાથી તે માર્યો ગયો. આ ડ્રોન પાંચ તરફથી ગોળીઓ અને ગ્રેનેડ એક સાથે વરસાવી શકે છે. આ ડ્રોનને 15 કિમી દુરથી ઓપરેટ કરી શકાય છે. એન્કાઉન્ટર દરમિયાન ભારે વરસાદમાં પણ હેરોન કામ કરતું રહ્યું હતું.
આ સિવાય ક્વોડ કોપ્ટર ડ્રોને આતંકીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. કાશ્મીરમાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી રાજૌરીમાં બે, અનંતનાગમાં એક અને બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.
બારામુલ્લામાં ત્રણ આતંકવાદીઓમાંથી 2ના મૃતદેહ મળી આવ્યા છે
પીર પંજાલ બ્રિગેડના કમાન્ડર પીએમએસ ધિલ્લોને કહ્યું- બારામુલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ઉરી, હથલંગા વિસ્તારમાં શનિવારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સવારે 6 વાગ્યે શરૂ થયું અને 8 કલાક પછી બપોરે 2 વાગ્યે પૂરું થયું હતું.
કમાન્ડર ધિલ્લોને કહ્યું- બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, ત્રીજાનો મૃતદેહ બોર્ડર પાસે પડ્યો હતો, પરંતુ પાકિસ્તાની ચોકીથી સતત ગોળીબારના કારણે અમારા સુરક્ષા દળો મૃતદેહ શોધી શક્યા નહીં. પાકિસ્તાની સેના આતંકીઓને મદદ કરી રહી હતી. સેના આ આતંકીઓને કવર આપી રહી હતી.
દારૂગોળો અને પાકિસ્તાની કરન્સી પણ મળી આવી હતી
બારામુલ્લામાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે રાઈફલ, 7 મેગેઝીન, એક ચાઈનીઝ પિસ્તોલ, સાત હેન્ડ ગ્રેનેડ, 5 કિલો આઈઈડી અને અન્ય દારૂગોળો મળી આવ્યો હતો. તેની બેગમાંથી પાકિસ્તાનના 6000 રૂપિયા અને ભારતની 46,000 રૂપિયાની નોટો મળી આવી હતી.
બારામુલા એન્કાઉન્ટર અંગે કમાન્ડર ધિલ્લોને કહ્યું – એન્કાઉન્ટર સ્થળ એ જ વિસ્તાર છે જ્યાં સુરક્ષા દળોએ ડિસેમ્બર 2022માં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એક ગુફામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા.
કાશ્મીરના ADGPએ અનંતનાગ એન્કાઉન્ટર અંગે કહ્યું- તમામ આતંકવાદીઓને ઠાર કરવામાં આવશે
અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે સેના અધિકારી, એક જવાન અને એક પોલીસ અધિકારી શહીદ થયા છે. આ ઓપરેશન અંગે કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે, રાજૌરી સુધી વિસ્તરેલા પીર પંજાલના ગાઢ જંગલોમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે, તે તમામને ઠાર કરવામાં આવશે.
આ આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉઝૈર ખાન છે. બુધવારે આ આતંકીઓના હુમલામાં સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌંચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ શહીદ થયા હતા. એક જવાન પણ શહીદ થયો છે.
સ્નિફર ડોગ, ડ્રોન, હેલિકોપ્ટરની મદદથી આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.
મંગળવારે જ્યારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે આતંકવાદીઓએ અનંતનાગમાં હુમલો કર્યો હતો. રાજૌરીમાં મંગળવારે પણ એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો.
અનંતનાગ એન્કાઉન્ટરમાં સેનાના કમાન્ડો સાથે સ્નિફર ડોગ્સ, ડ્રોન અને હેલિકોપ્ટર આતંકીઓને શોધી રહ્યા છે. રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓને 4 કિલોમીટરના દાયરામાં ઘેરી લેવામાં આવ્યા છે. આ ગમે ત્યારે ઠાર કરવામાં આવશે.