મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ધરપકડ કરવામાં આવી છે. રવિ ભારતમાં વોન્ટેડ છે. ભારતીય એજન્સીઓ UAE સત્તાવાળાઓના સંપર્કમાં છે. રવિને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના આદેશ પર, ઇન્ટરપોલ પહેલાંથી જ રવિ ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પછી ટૂંક સમયમાં સૌરભ ચંદ્રાકરની પણ ધરપકડ થઈ શકે છે. પોલીસને તેના લોકેશન વિશે માહિતી મળી છે.
છત્તીસગઢમાં મહાદેવ એપ એક મોટો ચૂંટણી મુદ્દો હતો. ભાજપે તેની ચાર્જશીટ અને ચૂંટણી ઢંઢેરામાં પણ આનો સમાવેશ કર્યો હતો. પાર્ટીએ સરકાર બનશે તો કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.
રવિ ઉપ્પલ સામે પણ મની લોન્ડરિંગનો કેસ
મની લોન્ડરિંગ કેસમાં ED મહાદેવ એપની તપાસ કરી રહી છે. આ ઉપરાંત છત્તીસગઢ પોલીસ અને મુંબઈ પોલીસ પણ તપાસમાં સામેલ છે. ઑક્ટોબરમાં રાયપુરમાં સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ EDએ ઉપ્પલ અને તેના ભાગીદાર સૌરભ ચંદ્રાકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
EDએ 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી
2 મહિના પહેલાં મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં લગભગ 39 સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. રવિ ઉપ્પલ પાર્ટનર સૌરભ ચંદ્રાકર સાથે યુએઈમાં રહેતો હતો. કેન્દ્ર સરકારે એક મહિના પહેલાં મહાદેવ સટ્ટાબાજી એપ સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી હતી.
મહાદેવ સટ્ટાબાજીની એપ સૌરભ ચંદ્રાકર સાથે શરૂ કરવામાં આવી હતી
2017માં રવિ અને સૌરભે મળીને ઓનલાઈન સટ્ટાબાજી દ્વારા પૈસા કમાવવા માટે એક વેબસાઈટ બનાવી હતી. જોકે, શરૂઆતમાં આ વેબસાઈટના યુઝર્સ ઓછા હતા અને તેમાંથી ઘણી ઓછી કમાણી થઈ હતી. સૌરભ 2019માં નોકરી માટે દુબઈ ગયો હતો. થોડા સમય બાદ સૌરભે તેના મિત્ર રવિ ઉત્પલને પણ દુબઈ બોલાવ્યો હતો.
રવિ દુબઈ પહોંચે તે પહેલાં સૌરભે સટ્ટાબાજીની વેબસાઈટ દ્વારા પૈસા કમાવવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પછી બંનેએ મહાદેવ બુક ઓનલાઈન નામથી બેટિંગ વેબસાઈટ અને એપ બનાવી. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા તેનો પ્રચાર શરૂ કર્યો.
મહાદેવ કંપનીના બિઝનેસને વિસ્તારવા સૌરભે બે રસ્તા અપનાવ્યા.
પ્રથમ: સોશિયલ મીડિયા માર્કેટિંગ અને પ્રભાવકો દ્વારા એપ્લિકેશનનો પ્રચાર કર્યો.
બીજું: અન્ય સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઇટ્સ ખરીદી.
લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક ઊભું કર્યું
ઓનલાઈન બેટિંગ એપ દ્વારા સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલે દેશમાં લગભગ 4 હજાર પેનલ ઓપરેટર્સનું નેટવર્ક બનાવ્યું હતું. દરેક પેનલ ઓપરેટર પાસે 200 ગ્રાહકો હતા જેઓ સટ્ટો લગાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રીતે બંને રોજની 200 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. આ કાળાંનાણાંથી તેણે સંયુક્ત આરબ અમીરાતમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
ગયા મહિને EDએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ, કોલકાતા અને ભોપાલમાં 39 સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
ભાજપે તેની ચાર્જશીટ અને મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કર્યો હતો
ચૂંટણી દરમિયાન ભાજપે તેની ચાર્જશીટમાં અને બાદમાં મેનિફેસ્ટોમાં મહાદેવ સત્તા એપનો ઉલ્લેખ પણ કર્યો હતો.