કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાયા છે. સુરેશ પચૌરી નરસિમ્હા રાવ સરકારમાં રક્ષામંત્રી હતા અને મનમોહન સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી હતા. પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ધારના પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી, ગત વિધાનસભામાં ઈન્દોરના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લા, પૂર્વ ધારાસભ્યો વિશાલ પટેલ, અર્જુન પાલિયા, સતપાલ પાલિયા અને ભોપાલ જિલ્લા કોંગ્રેસપ્રમુખ કૈલાસ મિશ્રા પણ ભાજપમાં જોડાયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાની મધ્યપ્રદેશથી વિદાયના ત્રીજા દિવસે કોંગ્રેસને આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
પ્રદેશ કાર્યાલયમાં CM ડૉ. મોહન યાદવ, પ્રદેશ ભાજપ-અધ્યક્ષ વીડી શર્મા, પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીય અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાની સામે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા. સૂત્રોનું માનીએ તો સુરેશ પચૌરી ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ પહેલાં કૈલાસ વિજયવર્ગીયે કહ્યું, 11 વાગ્યે જુઓ ઇન્દોરથી મોટો લોટ આવવાનો છે.
બીજી તરફ અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.
કૈલાસ વિજયવર્ગીયે સંજય શુક્લાને કહ્યું- પહેલા તારી ગાળો સાંભળી, હવે તને લેવો પડે છે
ઇન્દોર-1ના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લાને ભાજપનો ખેસ પહેરાવતી સમયે મંત્રી કૈલાસ વિજયવર્ગીયે હસીને કહ્યું- પહેલા તારી ગાળો સાંભળી, હવે તને લેવો પડે છે. આ સાંભળીને સંજય જોરથી હસી પડ્યા. તેમના આ મજાકનો વીડિયો સામે આવ્યો છે.
પચૌરીએ કહ્યું- કોંગ્રેસની જાતિની વાતોને કારણે જ્ઞાતિ સંઘર્ષ વધ્યો
સુરેશ પચૌરીએ કહ્યું, આપણે કૈલાસ વિજયવર્ગીય પાસેથી મંત્ર શીખવો પડશે કે જો આપણે ચૂંટણી લડીએ તો કેવી રીતે જીતવું. મારો ઉદ્દેશ સમાજસેવા અને રાષ્ટ્રસેવા હતો. કોંગ્રેસમાં એક સૂત્ર હતું, ‘ન જ્ઞાતિ, ન જાતિ’, પરંતુ કોંગ્રેસમાં આ સૂત્રને બાજુ પર મૂકી દેવામાં આવ્યું છે. આજે જ્ઞાતિની વાત છે, જેના કારણે વંશીય સંઘર્ષ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે રાજકીય અને ધાર્મિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એ આપણને દુઃખી કરી રહ્યા છે.
પચૌરીએ કહ્યું, જ્યારે ભગવાન શ્રીરામજીની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેના આમંત્રણપત્રને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને નકારી કાઢવામાં આવ્યું હતું. મને આઘાત લાગ્યો. હું શરૂઆતથી જ અયોધ્યામાં રામમંદિર બનાવવાના પક્ષમાં છું. આમંત્રણપત્રને નકારવાની જરૂર નહોતી. હું સ્વામી શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનો દીક્ષિત શિષ્ય છું.
વીડીએ કહ્યું- પચૌરી કોંગ્રેસની રાજનીતિના સંત છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું, કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભાજપમાં પૂર્વ સીએમ કૈલાસ જોશીને રાજનીતિના સંત કહેવામાં આવતા હતા. કોંગ્રેસના રાજકારણમાં સુરેશ પચૌરીને આ પદ મળ્યું છે. પચૌરી આજે ભાજપની સદસ્યતા લઈ રહ્યા છે. તેમણે બે વડાપ્રધાન સાથે કામ કર્યું છે. સુરેશ પચૌરી એવા નેતા છે, જે કોંગ્રેસના અધ્યક્ષ ન હોવા છતાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
શિવરાજે કહ્યું- રાહુલ કોંગ્રેસને ખતમ કરવા નીકળ્યા છે
પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, આઝાદી પછી ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસ આઝાદીની ચળવળ છે, કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ, પરંતુ પંડિત જવાહરલાલ નેહરુએ કોંગ્રેસને વિસર્જન થવા દીધું ન હતું. તેમણે રાજકીય ફાયદો ઉઠાવ્યો. રાહુલ ગાંધી હવે ગાંધીજીની ઈચ્છા પૂરી કરશે. રાહુલ કોંગ્રેસને ખતમ કરવા નીકળ્યા છે.
140 કરોડની વસૂલાત માટે સંજય શુક્લા પર દબાણ હતું
ઈન્દોર-1ના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા ઈન્દોર કોંગ્રેસના સૌથી અમીર પૂર્વ ધારાસભ્ય છે. તેમની સંપત્તિ 200 કરોડ રૂપિયાથી વધુ છે. કૈલાસ વિજયવર્ગીય સામે 2023ની વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ જિલ્લા પ્રશાસને શુક્લા વિરુદ્ધ ગેરકાયદે ખાણકામ અંગેના જૂના કેસમાં રૂ. 140 કરોડની રિકવરી ફાઇલ દાખલ કરી હતી. એ સ્પષ્ટ નથી કે તેની નોટિસ જાહેર કરવામાં આવી હતી કે નહીં. જોકે આ પછી શુક્લા ભારે દબાણમાં આવી ગયા હતા.